જિલ્લાને આરોગ્યની સેવા આપવામાં દરેક સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ
સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી હોસ્પિટલોમાં નિદાન માટે પુરતા સાધનો અને ડોકટરો નથી. આ ઉપરાંત સોનોગ્રાફી કરવા તથા એકસ-રે માટે મશીન છે પરંતુ નિદાન કરવા માટે રીપોર્ટ માટે રેડીયોલોજીસ્ટ નથી. ઓર્થોપેડીક સર્જન, એમ.ડી.પેથોલોજીસ્ટ, એમ.ડી.ફીઝીશીયન પણ ઉપલબ્ધ નથી. ગુજરાત રાજયમાં કોઈપણ સરકાર હોય હંમેશા સુરેન્દ્રનગરને આરોગ્ય સેવાની સગવડ આપવામાં સરકાર નિષ્ફળ છે.
તાજેતરમાં વડાપ્રધાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. જામનગરમાં ૭૦૦ બેડની હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. અમદાવાદ, જામનગરની જેમ જ સુરેન્દ્રનગર પણ જિલ્લો જ છે તેમ છતાં વર્ષોથી સુરેન્દ્રનગરમાં આવેલ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં પુરતા ડોકટરો હોતા નથી રોગ તપાસના સાધનો છે જ નહીં ત્યારે પુરતા સાધનો અને ડોકટરો મુકવા જાગૃત નાગરિક અશોક પારેખે આરોગ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.