૫૦ વર્ષમાં જંગલખાતું એક પણ વૃક્ષ ઉછેરી ન શક્યાનો આરોપ: આ જમીન પશુધનના ચરિયાણ માટે પરત આપવા માંગ

સરકાર દ્વારા ગામડે-ગામડે રક્ષિત જંગલ બનાવવા જંગલ ખાતા ને આપવામાં આવેલી જમીનમાં સરકારના હેતુ મુજબ જંગલ બન્યા ન હોય આવી જમીન પરત લઇ ગ્રામપંચાયત ને સોંપવા અંગે મોરબી કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ બાવરવાએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ આજથી ૫૦ વર્ષ પહેલા દરેક ગામડે ૨૦થી ૫૦ એકર જમીનમાં રક્ષિત જંગલ બનાવવા માટે કેન્દ્ર સરકારમાં આયોજન થયેલ હતું. તે માટે સરપંચની સહમતીથી કલેકટર મારફત જંગલ ખાતાને ગામના ખરાબાની જમીન જંગલ ખાતાને વૃક્ષ વાવેતર માટે આપેલ હતી. પરંતુ જંગલ ખાતું ૫૦ વર્ષ સુધીમાં કઈ કરી શક્યું નથી.

રજુઆતમાં આરોપ લગાવતા તેમણે જણાવ્યું હતું કે  જંગલ ખાતા એ ૫૦ વર્ષમાં એક પણ વૃક્ષ વાવેતર કરેલ નથી કે ઉછેર કરેલ નથી. આ જમીનમાં ગાંડા બાવળ જે કુદરતી રીતે ઉછેર થાય છે તે સિવાય કોઈ વૃક્ષ નથી. હવે પશુઓની સંખ્યા વધતા પશુઓને ચરવા માટે જમીન પુરતી નથી. બે ગામડાને જોડતા ગાડા માર્ગે ગાંડા બાવળને લીધે રસ્તા બંધ થઇ ગયેલ છે અને આવી પરિસ્થિતિમાં જંગલ ખાતા દ્વારા આ બાવળો કાઢવામા આવતા નથી તેમજ પંચાયતોને પણ બાવળ દુર કરવાની મંજુરી આપતા નથી. આ અંગે અવારનવાર ગ્રામ પંચાયત, ખેડૂતો, માલધારીઓને જંગલ ખાતાના સ્ટાફ સાથે ઘર્ષણ થાય છે. આ ગાંડા બાવળમાં ભૂંડ અને રોઝનો વસવાટ થાય છે જેથી આજુબાજુ ખેતીના પાકને ઘણું જ નુકશાન કરે છે. જંગલ ખાતા હસ્તગત વિસ્તારમાંથી પસાર થતા વોકળાં, નદીઓ વગેરે પર ચેકડેમ કરી પિયત વધારવાની સારી પ્રવૃત્તિ કરવામાં આવતી નથી કે કરવા દેવામાં આવતી નથી. જંગલ ખાતા હસ્તગત વિસ્તારમાં આવેલા ચેકડેમ કે તળાવોમાંથી ખેડૂતોને માટી ઉપાડવા દેવામાં આવતી નથી. રાષ્ટ્રીય સ્તરની કે રાજ્યસ્તરની યોજનાઓ કેનાલ, ડેમ, રેલ્વે, હાઇવે, ચેકડેમ, પાઈપ લાઈન વગેરેને જમીન માટે જંગલ ખાતાનું ક્લીયરન્સ તાત્કાલિક મળતું નથી અને યોજનાઓના કામમાં અવરોધ થાય છે જેનાથી

વધુમાં યોજનાઓનું બજેટ વધી જાય છે. જ્યાં પણ આવા જંગલ જે રક્ષિત થયેલ નથી તો જંગલ ખાતા દ્વારા શરત ભંગ કરેલ હોવાથી આવી જમીનો ખાલસા કરવી જોઈએ. સાંથણીની જમીન જો ખેડૂત ૨-૩ વર્ષ વાવેતર ન કરે તો જમીન ખાલસા કરવામાં આવે છે જયારે જંગલ ખાતા ને વૃક્ષ ઉછેર માટે આપેલ જમીન ૫૦ વર્ષ સુધી એક પણ વૃક્ષ ન વાવીને શરત ભંગ કરેલ હોવા છતાં શા માટે ખાલસા કરવામાં આવતી નથી? તો આપ સાહેબ દ્વારા આ બાબતે તાત્કાલિક અસરથી આવી જમીન ખાલસા કરાવવી જોઈએ.

જો જમીન પર રક્ષિત જંગલ હોય તો જમીન પરત લેવાની સત્તા કેન્દ્ર સરકાર હસ્તગત છે પરંતુ જો જમીન પર રક્ષિત જંગલ ના હોય તો રાજ્ય સરકાર કે કલેકટર તે જમીન જંગલ ખાતા પાસેથી પરત મેળવી શકે છે. લોકોમાં એવી વાતો થાય છે કે, જંગલ ખાતાનું રાજ્ય સ્તર પર અબજો રૂપિયા ચાઉં કરી જવાનું મોટું કૌભાંડ છે, જે કૌભાંડ સરકાર ના ધ્યાન પર શા માટે આવેલ નથી? લોકો કહી રહ્યા છે કે જંગલ ખાતા દ્વારા વિકાસ થયેલ જંગલો જેવા કે ગીર નું જંગલ, ડાંગનું જંગલ વગેરેના વિડીઆે કેસેટ બનાવી તે વિડીઓ કેન્દ્ર સરકાર, નાબાર્ડ, વર્લ્ડ બેંકને બતાવી ગુજરાતમાં જંગલ ખાતાનો વિકાસ બતાવી કરોડો રૂપિયાની સહાય તો લેવા માં આવે છે પરંતુ તે સહાય દ્વારા કરવાના કામો જેવા કે, વ્રુક્ષ વાવેતર, રસાયણિક ખાતરના ડોઝ, છાણીયું ખાતર, પિયત, મજુરી કામ વગેરે ફક્ત ચોપડા પર જ થાય છે અને સહાયના રૂપિયા ઉપડી જાય છે પરંતુ હકીકતમાં સ્થળ પર એકપણ વૃક્ષનું વાવેતર કે ઉછેર કરવામાં આવતો નથી. લોકોનું માનવું છે કે આ કૌભાંડમાં નીચેની કક્ષાએથી લઇને ઉપર સુધી દરેક સંપીને ભાગબટાઈ કરીને ખાવાની નીતિ અપનાવેલ છે જેથી જંગલોનો વિકાસ તો નથી થતો પરંતુ જંગલ ખાતાના સ્ટાફનો વિકાસ થઇ રહ્યો છે. તો આપ સાહેબ ને અમારી નમ્ર વિનંતી છે કે લોકોની માંગણીને ધ્યાને લઇ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે અને જે રક્ષિત જંગલ નથી તેવી જમીનો ગ્રામપંચાયતને ખરાબા તરીકે આપવામાં આવે જેથી પશુઓ માટે ચરિયાણ મળી રહેશે અને સરકારશ્રીને વહીવટી ખર્ચ ઘટશે.

આ અંગે યોગ્ય પગલા તાત્કાલિક લેવામાં આવે અને આ અંગે જો યોગ્ય નિર્ણયો લેવામાં નહિ આવે તો અમો ને મોરબી જિલ્લાના ગ્રામજનોને સાથે લઇને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી કોંગ્રેસના કાન્તિલાલ ડી. બાવરવાએ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.