- કાકરાપાર જમણા કાંઠા વિભાગને પાણી પૂરું પાડવા માટે ખેડૂતો દ્વારા રજૂઆત
- સિંચાઈ અધિક્ષક, સિંચાઈ વર્તુળ અને કાર્યપાલક ઈજનેરને કરાઈ રજૂઆત
- ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂત આગેવાગે કરી માંગ
સુરતના કાકરાપાર જમણા કાંઠા વિભાગને પાણી પૂરું પાડવા માટે ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા સિંચાઈ અધિક્ષક, સિંચાઈ વર્તુળ અને કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોની નહેરોમાં પૂરતું પાણી આપવામાં આવતું ન હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં કાકરાપાર જમણા કાંઠા નહેર વિભાગની બરબોધન માઈનોર, ભાંડુત માઇનોર, ઓરમા માઇનોર અને કુદીયાણા માઈનોર નહેર મારફતે સિંચાઈ કરી રહેલા કાંઠા વિસ્તારના ગામોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેડૂતોને તત્કાલ અસરથી પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂત આગેવાન દર્શન નાયકે માંગ કરી હતી.
ખેડૂતો માટે જીવાદોરી સમાન સિંચાઈ વિભાગની મુખ્ય નહેર વારંવાર તૂટી જતા સુરત જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં સિંચાઈ માટે આપવામાં આવતા પાણીના રોટેશન ખોરવાઈ ગયું છે. ખેડૂતોએ પોતાનો મહામૂલો ઊભો પાક બચાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ બાબતની ગંભીરતા સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું નથી. કારણ કે, મુખ્ય નહેર તૂટયાને આટલો સમય વિતી ગયો તેમ છતાં હજી સુધી સિંચાઈ માટેનું પૂરતા પ્રમાણમાં પાણી ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોના ખેડૂતોને મળી રહ્યું નથી. ખાસ કરીને, કાકરાપાર જમણા કાંઠા નહેર વિભાગની બરબોધન માઈનોર, ભાંડુત માઈનોર, ઓરમા માઈનોર અને કુદીયાણા માઇનોર નહેર મારફતે જે ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી લેતા હોય છે તે નહેરમાં આજે પણ સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવી રહ્યું નથી. જેનાથી આ ગામોના વિસ્તારમાં હજારો હેક્ટર જમીનમાં બનાવવામાં આવેલ ડાંગર અને શાકભાજીનો ઊભો પાક તેમજ અને બાગાયતી પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહેલ છે. જેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન જાય તેમ છે.
રજૂઆતમાં જણાવ્યું કે, કાકરાપાર વિભાગના મુખ્ય નહેરનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ જતાં અન્ય વિભાગોની નહેરોમાં પાણી આપવામાં આવી રહ્યું છે, પરંતુ માત્ર ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોની નહેરોમાં પૂરતું પાણી આપવામાં આવી રહ્યું નથી. જો આ વાત સાચી હોય તો ખેડૂતો સાથે થઈ રહેલ અન્યાય કોઈ પણ રીતે સહન કરી શકાય તેમ નથી. આ બાબત ખૂબ જ ગંભીર છે. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂત આગેવાન દર્શન નાયકે ખેડૂતોને તત્કાલ અસરથી પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.