ગર્લ્સ હોસ્ટેલના વિવિધ ખર્ચાઓ માટે રૂા.5 લાખ મંજૂર કરતી ફાયનાન્સ કમિટી: સોમવારે ફરીથી અધુરી બેઠક મળશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે કુલપતિ અને ઉપકુલપતિની અધ્યક્ષતામાં ફાયનાન્સ કમીટીની નવી પ્રથમ બેઠક મળી હતી. જેમાં અનેક મુદા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે બીજી લહેર દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોવિડ કેર હોસ્પિટલ અને આરટીપીસીઆર લેબ શરૂ કરવામાં આવી હતી અને હવે જો ત્રીજી લહેર આવે તો કોવિડ કેર હોસ્પિટલ, આરટીપીસીઆર લેબ અને કેર સેન્ટર માટે રૂા.50 લાખની વધારાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી ગર્લ્સ હોસ્ટેલ નિર્માણ થવા જઈ રહી છે તેના ખર્ચના મંજૂરીને પણ બહાલી આપી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિ.માં કોવિડ મહામારીની પરિસ્થિતિ દરમિયાન કોવિડ કેર હોસ્પિટલ તેમજ કેર સેન્ટર અને આરટીપીસીઆર શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં અનેક નર્સીંગ સ્ટાફ, આઉટ સોર્સમાંથી ક્લિનીક સ્ટાફ, હોમિયોપેથી, ઈન્ટન ડોકટર અને પેરામેડીકલ સ્ટાફની જરૂરીયાત ઉભી થઈ હતી. તેમજ 40 થી 50 વ્યક્તિઓ માટે કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું.
સાથે સાથે આરટીપીસીઆર લેબ પણ શરૂ કરવામાં આવી હતી. જેના માટે હવે જો ત્રીજી લહેર આવે તો આ ત્રણેય એટલે કે, હોસ્પિટલ, કેર સેન્ટર અને આરટીપીસીઆર લેબ માટે વધુ 50 લાખના નાણાની જોગવાઈ આજે ફાયનાન્સ કમીટીની બેઠકમાં કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલમાં વિવિધ પ્રકારના ખર્ચ જેમાં ક્ધટીજન્સી ખર્ચ, મહેનતાણા ખર્ચ, વસ્તુ ખરીદીના ખર્ચ માટે તેમજ હોસ્ટેલ સ્ટાફ સેલેરીના વિવિધ ખર્ચાઓ માટે ફાયનાન્સ કમીટીમાં 5 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. વધારાના મુદ્દાની આજે ચર્ચા થઈ શકી ન હતી. જેને લઈ હવે આગામી બે ઓગસ્ટ એટલે કે સોમવારના રોજ ફરી ફાયનાન્સ કમીટીની બેઠક મળશે.
શોધ અંતર્ગત વધુ 50 પીએચ.ડી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સ્કોલરશીપ આપે: ડો.મેહુલ રૂપાણી
ગુજરાત સરકાર દ્વારા સંશોધનને વેગ આપવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ચાલુ વર્ષે સ્કીમ ઓફ ડેવલોપીંગ હાઈ ક્વોલીટી રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચાલુ વર્ષે 148 માંથી 110 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માટે સિલેકશન કરવામાં આવ્યું છે. જો કે, હવે બાકી રહી જતાં 50 વિદ્યાર્થીઓને પણ શોધ અંતર્ગત ફેલોશીપ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનીયર સીન્ડીકેટ સભ્ય દ્વારા આજની ફાયનાન્સ કમીટીમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જો કે તેની વિગતવાર ચર્ચા સોમવારે મળનારી ફાયનાન્સ કમીટીમાં થશે. ડો.મેહુલ રૂપાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘણા એવા પીએચડીના વિદ્યાર્થી છે કે જેઓ શોધ અંતર્ગત મળનારી સ્કોલરશીપથી વંચિત છે. તેઓ પણ રીસર્ચ કરવા અને રાષ્ટ્રને ઉપયોગી બનવા તત્પર છે. તો આવા 50થી વધુ પીએચ.ડીના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પોતે 75 લાખ ફાળવી સ્કોલરશીપ આપે તો વિદ્યાર્થીઓના રિસર્ચને વેગ મળશે. તે માટે આજે ફાયનાન્સ કમીટીમાં પ્રસ્તાવ મુક્યો હતો જો કે હવે આગામી દિવસે મળનારી સિન્ડીકેટમાં વધુ વિચારણા કરી આ મુદ્દે બહાલી આપવામાં આવશે.