જિલ્લા વહીવટી તંત્ર અને યંગ ઈન્ડિયન્સ ગ્રુપનો અનોખો પ્રોજેકટ: શહેરીજનો વણઉપયોગી વસ્તુ પટારામાં નાખી જશે, જરૂરીયાતમંદો તે વસ્તુ મેળવી લેશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે પ્રેમના પટારાનો શુભારંભ કરવામાં આવનાર છે. જિલ્લા વહીવટી તંત્ર અને ઈન્ડિયન ગ્રુપ દ્વારા પ્રેમના પટારાનો અનોખો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. શહેરીજનો વણઉપયોગી વસ્તુ આ પટારામાં નાખી જશે બાદમાં જરૂરીયાતમંદો આ વસ્તુ ત્યાંથી મેળવી તેનો ઉપયોગ કરતા થશે. આજરોજ કલેકટર કચેરી ખાતે પ્રેમનો પટારો સજ્જ થઈ ગયો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિને જિલ્લા વહિવટી તંત્ર અને રાજકોટના યંગ ઇન્ડીયન્સ ગૃપ દ્વારા સમાજના જરૂરીયાતમંદ લોકોના લાભાર્થે ખાસ નવતર પ્રોજેકેટ અમલી બનાવાઇ રહયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૩મા જન્મદિને રાજકોટ શહેરમાં સર્વ પ્રથમ વખત પ્રેમનો પટારો નામના સેવાકાર્યનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં શહેરના રહેવાસીઓ પોતાને વણઉપયોગી હોય તેવી વસ્તુઓ કલેક્ટર ઓફિસના પરિસરમાં બનાવવામાં આવેલા એક પટારામાં તથા રાજકોટ શહેરના ૧૮ અન્ય કલેક્શન સેન્ટર્સમાં જમા કરાવી શકશે. બીજી બાજુ, જરૂરિયાતમંદો પોતાના ખપની ચીજ-વસ્તુઓ લઈને મૂળભૂત જરૂરિયાતને સંતોષી શકશે. રમકડાં, કપડાં, જૂતાંથી માંડીને આપવાલાયક દરેક વસ્તુઓ અહીં પ્રેમરૂપી પટારામાં જમા કરાવીને પોતાના શહેરના જ જરૂરિયાતમંદો માટે સેવાકાર્ય કરી શકાશે. પ્રેમનો પટારો પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામેલા પટારામાં બે દિવ્યાંગોને નોકરી આપીને સરકાર એમની બેરોજગારીની સમસ્યાનો પણ અંત લાવશે. પ્રેમનો પટારો સેવાકાર્યની દસ્તાવેજી ફિલ્મ ત્યાં સ્થળ પર રજૂ કરવામાં આવશે.