ઓનલાઈન માર્કેટ, ખેત જણસને વ્યવસ્થિત જાળવવા સારા સ્ટોરેજ અને સુદ્રઢ વિતરણ વ્યવસ્થા બનાવવા લક્ષ્ય

દેશમાં ૩૫ ટકા ખેત ઉત્પાદનો નાશવંત છે. એટલે કે, ગ્રાહકો સુધી પહોંચે તે પહેલા જ ખેત જણસો બગડી જાય છે. જેના પરિણામે ક્યારેક ખેડૂતો રડે છે તો ક્યારેક ગ્રાહકો રડતા જોવા મળે છે. આવી સ્થિતિમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેત ઉત્પાદનો ગ્રાહક સુધી સલામત પહોંચે તેની જરૂર છે. આ વાતને ધ્યાને રાખીને આગામી વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન થશે. ચાલુ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાતમાં ખેતીની પ્રોડકટીવીટી, ઈન્ફાસ્ટ્રકચર, કોન્ટ્રાકટ ફાર્મિંગ અને ટેકનોલોજીનો આધાર સ્થંભ જોવા મળશે. એક રીતે એમ પણ કહી શકાય કે, ચાલુ વર્ષે વાઈબ્રન્ટ સમીટ ખેત આધારિત રહેશે.

ભારત કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. દેશના અર્થતંત્રમાં એક યા બીજી રીતે કૃષિ ક્ષેત્રનો ૬૫ ટકા ફાળો જોવા મળ્યો છે. મહામારી બાદ તો કૃષિ સેકટર હરણફાળ ભરશે. અન્ય કોઈ ઈન્ડસ્ટ્રીની સરખામણીએ કૃષિ સેકટરનો મહત્વનો રહેશે. જેમાં ઈ-કોમર્સ સેકટર હુકમનું પાનુ બનશે. સરકારે એપીએમસીની બાદબાકી કરતા ઈ-કોમર્સ સેકટર માટે માર્ગ મોકળો બન્યો છે. ઈ-કોમર્સ સેકટર સપ્લાય ચેઈન, પ્રોડકટમાં ગુણવત્તા, પ્રોડકટ પાછળનો ખર્ચ સહિતના મુદ્દે ખેતી માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરશે. સપ્લાય ચેઈનને મજબૂત બનાવાશે. આ સાથે જ દેશમાં કોર્પોરેટ ખેતી

માટે પણ યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવશે.

દર વર્ષે ખેડૂતોની મહામુલી આવકનો બગાડ થતો હોય છે. આ બગાડ અટકે તે જરૂરી છે. એક આંકડા મુજબ વર્ષ ૨૦૧૯માં ૯૩૦૦૦ કરોડ રૂપિયાનો બગાડ થયો હતો. ખેતીમાં સૌથી મોટી મુશ્કેલી સીમાંત ખેડૂતોની છે. જમીનના કટકા થઈ ચૂકયા છે. ફંન્ડીંગ પુરતા પ્રમાણમાં મળતું નથી. ટેકનોલોજીનો ઉપયોગ પણ યોગ્ય પ્રમાણમાં થતો નથી. આવા સમયે જો ઈ-કોમર્સ સેકટર ખેતીમાં વધુ ધ્યાન આપે તો ખેડૂતોની આવક બે ગણી થઈ શકે. પ્રિઝર્વેટીંગ પ્રોડકટના કારણે ખેડૂતોનો બગાડ અટકે, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ મજબૂત બને તો ખેડૂતોનો માલ સહી સલામત ગ્રાહક સુધી પહોંચી શકે.

નોંધનીય છે કે, ભારતમાં કૃષિ સેકટર ઉપર ઘણા ઉદ્યોગોનો મદાર છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે યોજનાઓ ઘડી કાઢી છે. દરમિયાન એપીએમસીને બાકાત કરી નાખતા હવે ખેડૂત ગમે ત્યાં પોતાનો માલ વેંચી શકે છે. બીજી તરફ દેશમાં રિલાયન્સ માર્ટ સહિતની કંપનીઓ ઈ-ગ્રોસરી માટે વિકાસ પામી રહી છે. અત્યાર સુધી સૌથી મોટી મુશ્કેલી ખેડૂતો સામે કનેક્ટિવીટીની સાથે માલને સંગ્રહવાની હતી. ત્યારે જીઓ માર્ટ જેવી કંપની માલને સારી રીતે સંગ્રહી શકશે ઉપરાંત સમયસર ગ્રાહકો સુધી પહોંચાડી શકશે. જેથી ઈ-કોમર્સના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

આગામી વાઇબ્રન્ટ સમિટના કારણે ઓનલાઇન માર્કેટમાં ખેડૂતો માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે જે કંપનીઓ સમિટમાં ભાગ લેવા જઇ રહી છે તે કંપનીઓ ખેતી સેક્ટરમાં ફાયદો કરવાનો હેતુ ધરાવે છે. કંપનીઓના ફાયદાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થાય તેવી અપેક્ષા છે. કંપનીઓના હીતમાં ખેતીનું હીત પણ સમાયેલુ છે. ખેત જણસને વ્યવસ્થિત જાળવવા સારા સ્ટોરેજની સાથે સુદ્રઢ વિતરણ વ્યવસ્થા પણ કંપનીઓના કારણે જ શક્ય બને તેવી સ્થિતિ છે. વર્ષોથી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિકના વિકાસ માટે ઉંધા માથે મહેનત કરી હતી પરંતુ અત્યાર સુધી કોઇ એવી વ્યવસ્થા ઉભી થઇ નથી જેનાથી કૃષિનો બગાડ અટકે. વિકસીત દેશોમાં કૃષિ ઉત્પાદનોનો બગાડ માત્ર ૨ ટકા જ છે જ્યારે ભારતમાં આ પ્રમાણમાં અધધ… ૩૫ ટકા જેટલું છે. જેથી જો કૃષિ સેક્ટરમાં ખેડૂતોને કનડતા પ્રશ્ર્નો દૂર કરવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તો બગાડને લાંબાગાળે અટકાવી શકાય છે.

ખેડૂતોની આવક બે ગણી કરવા આધુનિકરણ, સુધારણા સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રીત

ખેતી ક્ષેત્રમાં આધુનિકરણની આવશ્યકતા છે. આ ઉપરાંત ખેત સુધારણાની જરૂર પણ છે. હવે આગામી વાઈબ્રન્ટ ગુજરાતમાં આ બન્ને બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે. દેશ-વિદેશની કંપનીઓ ખેતીના સંશાધનોમાં રોકાણ કરે તે માટે કવાયત હાથ ધરાશે. બીયારણ, જંતુનાશક દવાઓ, ખેત ઓજારો, ટ્રાન્સપોર્ટેશન સહિતના મુદ્દે કંપનીઓ આગળ આવે તે જરૂરી છે.

આ ઉપરાંત કોન્ટ્રાકટ ફાર્મિંગમાં પણ ખેડૂતો માટે સરળતા રહે તેની જરૂર છે. ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો પાસે જમીન ઓછી છે. નાના-નાના ટુકડામાં જમીન વહેંચાયેલી હોવાથી લોજિસ્ટીક સેકટરમાં નાના ખેડૂતો રોકાણ કરી શકે નહીં, આવા સમયે કંપનીઓ આગળ આવે અને લોજિસ્ટીક સેકટરને મજબૂત બનાવે તે આવશ્યક છે.

કોન્ટ્રાકટ ફાર્મિંગ, ફોરવર્ડ ટ્રેડીંગ, ઇન્ફ્રાસ્ટ્રકચરના કારણે ખેતી ક્ષેત્રને ફાયદો થશે

દેશ વિદેશમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ પદ્ધતિ દશકાઓથી અમલમાં છે. કોન્ટ્રાકટ ફાર્મિંગના કારણે ખેડૂતોને ગમે તે સીઝનમાં એક નિર્ધારીત વળતર મળી શકે છે. એક રીતે એમ પણ કહી શકાય કે, પાક નબળો જાય તેવી સ્થિતિમાં પણ ખેડૂતોને નિર્ધારીત રકમ મળે છે. આવી કોન્ટ્રાકટ ફાર્મિંગ પદ્ધતિ અત્યાર સુધી ભારતમાં ખુબજ ઓછા ચલણમાં હતી. પરંતુ સરકારે લીધેલા પગલાને કારણે મસમોટી કંપનીઓ અને ખેડૂતો પણ કોન્ટ્રાકટ ફાર્મિંગ માટે એક ડગલુ આગળ આવ્યા છે. જો કોન્ટ્રાકટ ફાર્મિંગ પદ્ધતિનો યોગ્ય અમલ થશે તો ઈન્ફાસ્ટ્રકચર પણ વધુ ગાઢ બનશે. ઈન્ફાસ્ટ્રકચર ગાઢ બનાવવાથી લોકો સુધી ઝડપથી ઉત્પાદન પહોંચી જશે. સૌથી મોટો મુદ્દો ફોરવર્ડ ટ્રેડીંગનો રહ્યો છે. સરકારે કેટલીક જણસમાં ફોરવર્ડ ટ્રેડીંગને મંજૂરી આપી છે જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળશે તેવી અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.