મ્યુનિસિપલ કમિશ્નર સાથેની મેરેથોન બેઠકમાં પદાધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખની તાકીદ: અલગ-અલગ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા
મહાપાલિકા ખાતે આજે પાંચેય પદાધિકારીઓ,શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ શહેરના વિકાસને અસર કરતા અલગ-અલગ મુદ્દાઓની ચર્ચા કરવા માટે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ સાથે મેરેથોન મિટિંગ યોજી હતી જેમાં અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.ચોમાસાની સીઝન પૂર્ણ થતાની સાથે જ શહેરના રાજમાર્ગો ફરી ડામરથી મઢાઈ જાય તે માટે ચોમાસા પહેલાં જ શહેરના તમામ વોર્ડ માટે ડામર એકશન પ્લાન તૈયાર કરવા તાકીદ કરવામાં આવી હતી.આ ઉપરાંત કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા તે મહત્વનું નથી પરંતુ વાવ્યા બાદ વૃક્ષો ઉગી નીકળે તે બાબત પર ધ્યાન મુકવા પણ શાસકો દ્વારા તાકીદ કરવામાં આવી છે.
આજે સવારે મેયર ચેમ્બર ખાતે નિયર ડો.પ્રદીપ ડવ,શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા અને દંડક સુરેન્દ્ર સિંહે,મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સાથે એક બેઠક યોજી હતી.
જેમાં શહેરની અસર કરતા અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.રાંદરડા તળાવની હાલ બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે.ત્યારે લેકના રસ્તામાં આવતા સાગરનગર મફતીયાપરા નામના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને આવાસ આપવા માટે સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે ચોમાસાની સીઝન નજીક આવી રહી છે ત્યારે વૃક્ષારોપણનું આયોજન કરવા અંગે પણ ચર્ચા કરાઇ હતી. કેટલા વૃક્ષો વાવ્યા તેનો લક્ષ્યાંક રાખવાના બદલે ઉગી નીકળે તેવા વૃક્ષો વાવવા માટે મેયર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ માટે નિભાવણી કરવા સેવાકીય સંસ્થાઓનો સહયોગ લેવા પણ નક્કી કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ટ્રી ગાર્ડ ઓછા વજનના બનાવવા જેથી વધુ વધુ વધુ લોકોને ટ્રી ગાર્ડ આપી શકાય તે અંગે પણ ચર્ચા કરાઇ હતી. દર વખતે મહાપાલિકા દ્વારા ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ ડામર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે આ વખતે ચોમાસાની સીઝન પુવૅ જ ડામર એક્શન પ્લાન વૉર્ડ વાઇઝ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.જેથી નવરાત્રી કે દિવાળીના તહેવાર પૂર્વે તમામ રોડ-રસ્તાઓ ફરી ડામરથી મઢાઈ જાય.હાલ શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર ચાલી રહેલા બ્રિજનું કામ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય એ માટે પણ જરૂરી ચર્ચા કરાઇ હતી.
આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ વિકસી રહ્યું છે જેને મુખ્યમંત્રી દ્વારા રામવન નામ આપવામાં આવ્યું છે.ત્યારે આ અર્બન ફોરેસ્ટને શ્રીરામ ભગવાનની થીમ પર લઈ જવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આજે મ્યુનિસિપલ કમિશનર અને શાસકો વચ્ચે યોજાયેલી મેરેથોન બેઠકમાં શહેરના વિકાસને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આગામી દિવસોમાં તે જમીની હકીકત બને તે દિશામાં પણ કામ કરવામાં આવશે.