નગરપાલિકાઓના કમિશનર રાજકુમાર બેનીવાલે તમામ કમિટી અધ્યક્ષોને આપ્યું વિસ્તૃત માર્ગદર્શન
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 19મી ઑક્ટોબરના સંભવિત કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે ઉચ્ચ અધિકારીઓની ટીમે સ્થળ પર બેઠક યોજી તેમજ નિરીક્ષણ કરીને તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બાદમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓએ તમામ કમિટીઓના અધ્યક્ષ સાથે બેઠક યોજીને કાર્યક્રમ અંગે ઝીણવટપૂર્વક વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. નગરપાલિકાઓના કમિશનર રાજકુમાર બેનીવાલે જિલ્લાના વહીવટી તંત્રની કામગીરી જોઈને કહ્યું હતું કે, મોટાભાગની તૈયારીઓ થઈ ગઈ છે.
કાર્યક્રમમાં મહત્વની ભૂમિકામાં રહેલા અધિકારીઓને વોકીટોકી સેટ અપાશે. કાર્યક્રમની વ્યવસ્થામાં રહેલા કર્મચારીઓ, અધિકારીઓને જરૂર પડ્યે તાલીમ આપવા પણ જણાવ્યું હતું. સભા સ્થળે દિશા દર્શાવતા કલર સાઈનેજ યોગ્ય રીતે રાખવા સહિતની બાબતો અને દિશાનિર્દેશ તેમણે આપ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર અમિત અરોરા, પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ધીમંત વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર વરૂણ કુમાર બરનવાલ, ભાવનગર નગરપાલિકા કમિશનર અજય દહિયા, અધિકારી તેજસ પરમાર, રાજકોટ મહાનગર પાલિકાના નાયબ કમિશનર આશિષ કુમાર તેમજ વિવિધ કમિટીઓના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.