વૈષ્ણવ સમાજમાં હરખની હેલી
પ્રાગટ્ય ઉત્સવની સવારથી જ ગૌ સેવા અને માનવસેવાની વણઝાર
આગામી ચૈત્રવદી 11 (એકાદશી) તા.16/04/23ને રવિવાર એટલે અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 546મો પ્રાગટ્ય ઉત્સવ છે.
પ્રાચીન અને મધ્યસ્થ દરબારગઢ હવેલી તેમજ જશુબાઇ કાથડ મંડાણને સંલગ્ન વૈષ્ણવ સમિતિ દ્વારા વિગત 80થી વધુ વર્ષો લગભગ ચાર પેઢીથી દિવ્ય અને અલૌકીક શોભાયાત્રા સાથે આચાર્યઓના વચનામૃતો-ધર્મસભા અને ગૌસેવા તેમજ માનવ સેવાની પ્રવૃતિઓ સાથે પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાની અનેરી પરંપરા છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા ભુપેન્દ્રભાઇ છાટબારે જણાવ્યું હતું કે આગામી ચૈત્રીવદી એકાદશી તા.16/04/23ને રવિવારના રોજ પ્રાગટ્ય ઉત્સવના ઉપક્રમે સમિતિ દ્વારા ઉત્સવની પૂર્વ સંધ્યા શનિવાર તા.15ની સાંજે 4-00 થી 7-00
શ્રી જશુબાઈ મંડાણ ખાતે સર્વોત્તમ સ્તોત્રના પાઠનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સામુહિક પાઠમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવોને જોડાવવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઉત્સવ પૂર્વની એ જ રાત્રીએ 9-00 વાગ્યાથી શ્રી સાત સ્વરૂપ હવેલી – પરાબજાર ખાતે “લાડુ મંડળ” દ્વારા ગૌમાતાઓ માટે 100 મણ લાડુ નિર્માણ આયોજન કરી, પ્રાગટય ઉત્સવની સવારે 7-00 વાગ્યે શહેરની 24 થી વધુ ગૌશાળા / પાંજરાપોળોની ગૌમાતાઓને ડબ્બાઓ ભરી પહોંચતા કરાશે. એ ઉપરાંત શહેરના જાણીતા દાતા અને ગૌસેવક પરિવારો દ્વારા પ000 મણ લીલો ઘાસચારો ટ્રક-ટ્રેકટર-મેટાડોર જેવા વાહનોથી શહેર આસપાસની 24 ગૌશાળાઓને પહોંચાડવામાં આવશે. ગૌસેવા અને અન્ય સેવા પ્રકલ્પો માટે દ્રવ્ય સહાય કરવા ઈચ્છુક વૈષ્ણવો કાર્યકર્તાઓનો સંપર્ક કરવા જણાવાયું છે.
રવિવાર પ્રાગટય ઉત્સવની સવારે 7-30 વાગ્યે સાત સ્વરૂપ હવેલી ખાતે શ્રીકૃષ્ણાશ્રય હવેલીના આચાર્યઓ અક્ષયકુમારજી મહારાજ અને ગો.રમણેશકુમારજી મહોદયની ઉપસ્થિતિ અને આશિર્વાદ સાથે ગૌસેવા-જીવદયા-માનવસેવા પ્રકલ્પો માટે કાર્યકર્તાઓ દ્વારા વિતરણ કરાશે.
ઉત્સવની સવારે 9 થી 12 દરમ્યાન ડો. દંગી સાહેબ દ્વારા જરૂરતમંદ દર્દીઓને નિ:શુલ્ક આર્યુવેદીય નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વૈષ્ણવોએ લાભ લેવા સમિતિ દ્વારા અપીલ કરાઈ છે.
પ્રાગટય ઉત્સવની સાંજે 6-30 વાગ્યે શ્રીબાલકૃષ્ણલાલજી હવેલીના પ્રાંગણ – દરબારગઢ ખાતે એક “ધર્મસભા” આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રામાં શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપને ચાંદીની સુખપાલ (પાલખી)માં પધરાવી વાજતે-ગાજતે હવેલી વધાઇ કિર્તન ગાન – ધોળપદ અને જયઘોષ કરતા વૈષ્ણવ ભાઈ-બહેનોનો રસાલો-ઘોડા-બગ્ગી-ધ્વજા-પતાકા કળશધારી બહેનો અને સાફાધારી યુવા વૈષ્ણવ સમુહ શહેરના દરબારગઢ ચોકથી સોનીબજાર – નવાનાકા ઢાળ – કંસારા બજાર – પરાબજાર થઈ સાત સ્વરૂપ હવેલી ખાતે પહોંચી વિરામ લેશે. શહેરમાં ઠેરઠેર પુષ્પ વૃષ્ટિઓથી શોભાયાત્રાનું સ્વાગત થશે. ઉપરાંત અનેક જગ્યાએ ભાવુકો દ્વારા ઠંડા-પીણા શરબત – ઠંડા જલની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાત સ્વરૂપ હવેલી ખાતે સંપ્રદાયીક રીત પ્રમાણે કિર્તનકારો દ્વારા વધાઈ કિર્તન – બિરાજમાન આચાર્યઓના વચનામૃતો અને “કેશરી સ્નાન” જેવા માંગલીક ઉપક્રમોનું ભાવભેર આયોજન થયું છે.સમગ્ર શહેરની વૈષ્ણવ શ્રૃષ્ટિને આ દિવ્ય શોભાયાત્રામાં જોડાવા પ્રાગટય ઉત્સવ આયોજન સમિતિ દ્વારા જાહેર નિમંત્રણ અને આહવાન કરાયું છે.