40 વિઘામાં વિશાળ ડોમ ઉભો કરાશે દોઢ લાખ લોકોના ભોજનની વ્યવસ્થા
સૌરાષ્ટ્રના એક સમયના કદાવર ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની જન્મભુમિ અને કર્મભુમિ જામકંડોરણા ખાતે આગામી તા. 11ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા છે ત્યારે ચૂંટણી પૂર્વે જબ્બર તાકાત પ્રદર્શન કરવા ધારાસભ્ય જયેશ રાદડીયા અને જિલ્લા ભાજપની સમગ્ર ટીમે એડી ચોટીનું જોર લગાવ્યું છે અને આગામી બુધવારે જામકંડોરણા ખાતે યોજાનાર વડાપ્રધાનની આ જાહેરસભા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ સમાન બની રહેવાની ધારણા છે.
પૂર્વ કબિનેટમંત્રી જયેશ રાદડીયાનાં ગઢમાં યોજાનાર આ જાહેરસભામાં રાજકોટ જિલ્લામાંથી અંદાજે બે લાખ લોકો ઉમટી પડવાની ધારણા છે. આ જાહેરસભા માટે જામકંડોરણા કુમાર છાત્રાલય પાસેની 40 વિઘા જમીનમાં પાંચ વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યા છે. અને આશરે દોઢેક લાખ લોકો માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
આ જાહેરસભામાં વધુને વધુ સંખ્યામાં લોકો એકઠા થાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તથા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેઠળ ગામડે ગામડે બેઠકો યોજાઇ રહી છે અને લોકો તથા ભાજપના કાર્યકરો દ્વારા આગોતરી વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જેના કારણે ગામડે-ગામડે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાહેર સભા અને ભોજન વ્યવસ્થા તથા પાર્કિંગ વ્યવસ્થા માટે સ્થાનિક સ્વયંસેવક અને ભાજપના કાર્યકરોડની ખાસ સમિતિઓ બનાવવામાં આવી છે. સ્થાનિક આગેવાનો ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર,ચંદુભા ચૌહાણ,તેમજ તાલુકાના આગેવાનો રાત ઉજાગરા કરી રહ્યા છે. સમગ્ર જામકંડોરણા તાલુકામાં આ કાર્યક્રમને લઇને ઉત્સવ જેવો માહોલ જણાઇ રહ્યો છે. જેતપુર અને જામકંડોરણા તાલુકાના ગામેગામથી લોકો આ જાહેરસભામાં હાજરી આપવા થનગની રહ્યા છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, જામકંડોરણા ખાતે અનેક વખત સામાજિક અને રાજકિય મેળાવડામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની આ જન્મભૂમિ ઉપર જાહેરસભા માટે પસંદગી ઉતારી છે.
ધારાસભ્ય જયેશ રાદડીયા પણ જેતપુર-જામકંડોરણા ઉપરાંત રાજકોટ-જામનગર- જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં પ્રભુત્વ અને લોકચાહના ધરાવતા હોય તેમના આંગણે યોજાઇ રહેલી આ જાહેરસભામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી ધારણા છે. આ જાહેરસભામાં સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડીયાની તાકાતના પણ પારખા થનાર છે. જયેશ રાદડીયા કેટલી સંખ્યામાં લોકો એકઠા કરે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.