- લોકમેળાનું લે આઉટ અને સ્ટોલના ભાવપત્રક તૈયાર, કલેક્ટર સમક્ષ મુકાયા
- સ્ટોલ્સ અને રાઈડ્સની સંખ્યા અંદાજે 300થી 350 જેટલી રહેશે : આગામી 26મીએ ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની શકયતા
સૌરાષ્ટ્રના માનીતા જન્માષ્ટમી મેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.લોકમેળાનું લે આઉટ અને સ્ટોલના ભાવપત્રક તૈયાર કરી દઈને કલેક્ટર સમક્ષ મુકી દેવામાં આવ્યા છે. કલેક્ટરની મંજૂરી બાદ આ કામ આગળ ધપાવવામાં આવનાર છે. સ્ટોલ્સ અને રાઈડ્સની સંખ્યા અંદાજે 300થી 350 જેટલી રહેવાની છે અને આગામી 26મીએ ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની શકયતા સેવાઇ રહી છે.
કોરોના કાળને કારણે રાજકોટની શાન એવા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન શક્ય બન્યું નહોતું. પરંતુ બે વર્ષના અંતરાલ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટની આગવી ઓળખ ધરાવતાં જન્માષ્ટમીના સાંસ્કૃતિક લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષ્યમાં તાજેતરમાં જ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં તા.17 ઓગસ્ટ થી તા. 21 ઓગસ્ટ સુધી એટલે કે પાંચ દિવસનો લોકમેળો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વેળાએ લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરાજી સમિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક પાર્કિગ નિયમન સમિતિ, ફાયર સેફટી અને સાંસ્કૃતિક અને ઉદ્ઘાટન કાર્યક્રમ સમિતિ સહિતની 12 સમિતિઓની રચના કરી તેને કામગીરી સોંપવામાં આવી હતી.
આ મેળામાંજાહેર જનતાની સુરક્ષા અર્થે સી.સી.ટી.વી. કેમેરા, ફાયર સેફટી, આરોગ્ય સુવિધા, કંટ્રોલ રૂમ અને ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવાની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ આ લોકમેળાનો લે આઉટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ લે આઉટ પ્લાનને કલેક્ટર સમક્ષ મુકવામાં આવ્યો છે. આ સાથે વિવિધ કેટેગરીના સ્ટોલનું ભાવ પત્રક પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. તેને પણ કલેક્ટર સમક્ષ મુકવામાં આવ્યું છે. લે આઉટ અને ભાવ પત્રક બન્ને કલેક્ટરની મંજૂરી બાદ ફાઇનલ થશે.
આ લોકમેળામાં સ્ટોલ્સ અને રાઈડ્સની સંખ્યા અંદાજે 300થી 350 જેટલી રહેશે તેવું જાણવા મળ્યું છે. બીજી બાજુ આગામી 26મીએ ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની શકયતા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ લોકમેળામાં અલગ અલગ કેટેગરીના સ્ટોલ હોય છે. અમુક સ્ટોલની હરરાજી તથા અમુક સ્ટોલનો ડ્રો કરવામાં આવે છે.