અભૂતપૂર્વ મહોત્સવના ઉદ્ઘાટનને ત્રણ દિવસો બાકી

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને જયારે ત્રણ દિવસ બાકી છે ત્યારે દેશ પરદેશથી હજારો ભક્તોનું આગમન અમદાવાદને આંગણે થઈ રહ્યું છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રેરકસંદેશને પોતાનો જીવનમંત્ર બનાવી દેનાર 80000 સ્વયંસેવકો અને લાખો ભક્તોના હ્રદયમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઈને અદમ્ય ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર જોવા મળી રહ્યો છે.

45 જેટલા સેવા વિભાગોમાં શહેર તેમજ ગામડાંઓના ભક્તો સાથે મળીને સેવા કરી રહ્યા છે. ડોક્ટર, ઈજનેર, સીએ, એમબીએ વગેરે ડીગ્રીધારી ભાઈઓ અને બહેનો નાનામાં નાની સેવા કરતા જોઈ શકાય છે. વિશાળ બાળનગરી, પ્રવેશદ્વાર, અને ગ્લો ગાર્ડનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દરેક વિભાગો જોર-શોરથી પૂર્ણતા તરફ વધી રહ્યા  છે.

2

‘બીજાના ભલામાં આપનું ભલું છે’  -આ જીવનસૂત્ર સાથે  લાખો મનુષ્યોના જીવનમાં ઊર્ધ્વગામી પરિવર્તન લાવનાર, તેઓના આધ્યાત્મિક ઉન્નતિના પથદર્શક એવા પ્રમુખસ્વામી મહારાજ માટે પ્રત્યેક સ્વયંસેવકના હૃદયમાં પ્રમુખસ્વામી મહારાજનું ઋણ યત્કિંચિત પણ ચૂકવી શકીએ  તેવો ભાવ છે. રાત-દિવસ જોયા વગર, પોતાની કૌટુંબિક, આર્થિક, વ્યાવસાયિક, સામાજિક જવાબદારીઓ સાથે અદભૂત સંતુલન સાધી આ સ્વયંસેવકો કોઈ પણ પ્રકારની સેવામાં ભક્તિપૂર્વક અને ગૌરવભેર પ્રદાન કરી રહ્યા છે. મારવાડી યુનિવર્સીટીના પ્રોફેસર સ્મિતભાઈ જે આ મહોત્સવમાં સેવા આપી રહ્યા છે, તેઓએ પત્રકારોને જણાવ્યું કે આ ઉત્સવની તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે. ચારે બાજુ હરિભક્તોનો ખૂબ ઉત્સાહ જોવા મળે છે.

ભાઈઓની સાથે બહેનો પણ આ ઉત્સવમાં અતિ ઉત્સાહથી સેવા આપી રહ્યાં છે. અહીં સેવારત રચનાબેન કારિયાએ કહ્યું કે  ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે અમને સેવા કરવાની તક આપી એ અમારા મોટા ભાગ્ય છે.  તેઓએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં  14 ડિસેમ્બરે આ મહોત્સવનું ઉદ્ઘાટન થશે અને 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને વિશિષ્ટ આકર્ષણોથી આ મહોત્સવ સમગ્ર વિશ્વમાં કરોડો લોકો સુધી વિવિધ પ્રેરણસંદેશ વહાવશે. અહીં પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની ફી નથી. કોઈ પણ ભેદભાવ વગર બધાંને પધારવા હાર્દિક આમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.