સોમનાથ મંદિર પરિસરમાં બહારની દિવાલો પર 100થી વધુ ચિત્રો દોરાશે
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આગામી 17 એપ્રિલના રોજ ભારત વડાપ્રધાન – સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્ર મોદી સોમનાથ આવી સૌરાષ્ટ્ર-તામિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ કરાવી રહ્યા છે ત્યારે સોમનાથ મંદિર આસપાસની દિવાલો ઉપર શિવ અને સોમનાથ આસપાસના મંદિરોનું આવનારા મહેમાનો દર્શન પૂર્વે જ ભીતચિત્રોથી જાણકારી મેળવી શકે તે માટે રાજ્યના તજજ્ઞ ચિત્રકારોનું વૃંન્દ સોમનાથ ખાતે આવી પહોંચ્યું છે. જેઓ રાઉન્ડ ધ ક્લોક પોતાની કલા-પીછીના લસરકાથી પ્રાચીન પુરાણો અને સોમનાથ તીર્થ સ્થળોને દિવાલ ઉપર દોરી રહ્યા છે.
રાજ્યમાં અનેકો સ્થળોએ જેમના ચિત્રો દોરાયાં કે પ્રશંસા મેળવી છે. તેવાં મીનાક્ષી પટેલ, દિનુ પટેલ, પ્રતિક રાઠોડના સુપર વિઝન હેઠળ સોમનાથ મંદિરમાં આપણે જે એન્ટ્રી ગેટથી પ્રવેશ મેળવીયે છીએ તેની રોડ સાઇડની મંદિર બાજુની દિવાલ ઉપર 68 જેટલાં ચિત્રો દોરવામાં આવ્યાં છે.
સોમનાથ મંદિરની દર્શનપથ બહારની દિવાલ એટલે સોમનાથ મંદિરથી સાગર દર્શન અતિથીગૃહ જવાના રસ્તો તે દિવાલ ઉપર 29 જેટલા ચિત્રો દોરવાનું કામ ચાલી રહ્યું છે. આમ કુલ 100 જેટલા ચિત્રો યાત્રિકો-પ્રવાસીઓ, મહેમાનોને ચિત્રોના માધ્યમથી સ્થળ દર્શન કરાવશે. આ દિવાલ ઉપર સોમનાથ મંદિર, હેરીટેજ મંદિરો, સુર્ય મંદિર અને પ્રભાસના વૈભવી દિવ્ય વારસાના ચિત્રો દોરાઇ રહ્યા છે.
સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઇના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સુશોભન કરાઇ રહ્યું છે. જે તારીખ 15 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવાશે. સોમનાથ ટ્રસ્ટે ક્યાં ચિત્રો દોરવાના છે, તેના ફોટોગ્રાફ અમોને આપેલ છે. જે ફોટાઓ જોઇ તેનો અભ્યાસ કરી પહેલાં દિવાલ ઉપર પેન્સીલથી કાચું ડ્રોઇંગ કરીએ અને દિવાલ ઉપર દોરી કલર સુશોભન કરીએ.