- 50મો યુવક મહોત્સવ ‘અમૃત કલા મહોત્સવ’ તા.23,24,25 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે વિવિધ લોકાર્પણ, ખાતમૂહુર્ત અને યુવક મહોત્સવનું શુક્રવારે બપોરે 3.30 કલાકે ઉદઘાટન
- યુવક મહોત્સવને સફળ બનાવવા માટે જુદી જુદી 15 કમિટીઓની રચના: વિવિધ સ્પર્ધાઓમાં 100થી વધુ નિર્ણાયકો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 50 મો યુવક મહોત્સવ ” અમૃત કલા મહોત્સવ ” નું આયોજન આગામી તા . 23,24 અને 25 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર 50 મા યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જીલ્લાઓની 62 (બાસઠ) કોલેજોના આશરે 1350 સ્પર્ધકો જુદી જુદી 36 ઈવેન્ટસમાં સહભાગી થવા માટે થનગની રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50 મા યુવક કહોત્સવ ” અમૃત કલા મહોત્સવ ” નું ઉદઘાટન તા . 23 ને શુક્રવારના રોજ બપોરે 3:30 કલાકે ગુજરાત રાજયના કેબીનેટકક્ષાના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે કરવામાં આવશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં નવનિર્માણ પામેલ ત્રણ બિલ્ડીંગો રૂા . 111.43 લાખના ખર્ચે ઓપન એર સ્ટેજ , રૂા . 143.70 લાખના ખર્ચે એક્ષટેન્શન ઓફ કમ્બાઈન્ડ સાયન્સ લેબોરેટરી અને અંદાજે 300 લાખના ખર્ચે સ્પોર્ટસ હોસ્ટેલનું લોકાર્પણ તથા આગામી સમયમાં નિર્માણ પામનાર રૂા . પ00 લાખના ખર્ચે એમ.સી.એ. ભવન , રૂા . 800 લાખના ખર્ચે ભાષા ભવન અને રૂા . 400 લાખના ખર્ચે નવું આઈ.ક્યૂ.એ.સી. ભવનનું ખાતમૂહૂર્ત ગુજરાત રાજ્યના કેબીનેટકક્ષાના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત 50 મા યુવક મહોત્સવને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે . ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી 15 કમિટીઓની રચના કરવામાં આવેલ છે. આ યુવક મહોત્સવમાં જુદી જુદી સ્પર્ધાઓમાં 100 જેટલા નિર્ણાયકો પોતાની સેવાઓ આપશે. આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો એકેડેમિક કાઉન્સિલના સભ્યઓ , ભવનોના અધ્યક્ષઓ , સંલગ્ન કોલેજોના આચાર્યઓ , યુનિવર્સિટીના અધિકારીઓ , શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કુલપતિ પ્રોફે . ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.