કાલે ત્રિદિવસીય મહોત્સવનું ભૂમિપૂજન: ૨૦૦ વિઘા જમીન પર ભવ્ય ઉમિયાધામ શકિતપીઠનું નિર્માણ થશે
લીલીયા મોટા ખાતે અમરેલી વિસ્તાર બાવન ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી મંદિર લીલીયા મોટા ખાતે આગામી દિવસોમાં ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.જેમની તડામાર તૈયારી ચાલી રહી છે. અમરેલીના લીલીયા મોટા ઉમિયા માતાજી મંદિરના સાનિધ્યમાં ઉજવાઈ રહેલા ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા.૨૮ થી ૩૦મી માર્ચ સુધીના ત્રિદિવસીય ભવ્યાતી ભવ્ય રજત જયંતિ મહોત્સવ-૨૦૨૦ નિમિતે મંદિર ખાતે ૨૫ પાટોત્સવ અલૌકિક ત્રિદિવસીય ૨૧ કુંડી હોમાત્મક શતચંડી યાગ, માતાજીની ભવ્ય શોભાયાત્રા, ભોજન પ્રસાદ,ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધર્મ સભા,કૃષિ શિબિર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી રોડ, ગાયત્રી મંદિર પાછળ ૨૦૦ વીઘા જમીનમાં “ઉમા ધામ”નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.વિશાળ જગ્યામાં ઉજવાઈ રહેલા રજત જયંતિ મહોત્સવ સ્થળનો ભૂમિપૂજન કાર્યક્રમ આવતીકાલ તા.૧૬/૨/૨૦૨૦ ને રવિવારના રોજ સવારના ૯-૦૦ કલાકે ઉમાધામ રજત જયંતિ મહોત્સવ ગ્રાઉન્ડ લીલીયા મોટા ખાતે યોજાઈ રહ્યો છે.
આ પ્રસંગે દરેક કડવા પાટીદાર સમાજના લોકોને સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે બાબુભાઈ સી.ધામત-પ્રમુખ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ,વજુભાઈ આર. ગોલ-ક્ધવીનર રજત જયંતિ મહોત્સવ -૨૦૨૦ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે.મા ઉમાના સાનિધ્યમાં ઉજવાઈ રહેલા આ ધાર્મિક મહોત્સવને લઈને અમરેલી પંથકમાં વસતા તેમજ દેશ વિદેશમાં વસતા સમસ્ત કડવા પાટીદારોમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે.
અમરેલીના મોટા લીલીયા ખાતે આગામી તા૨૮મી માર્ચથી પ્રારંભ થઈ રહેલા ઉમિયા માતાજી મંદિર લીલીયા મોટાના ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવને લઈને ઉમિયા માતાજી મંદિર ખાતેથી બાવન ગામ કડવા પાટીદારોના ઘેર ઘેર આયોજકો દ્વારા કંકોત્રીઓ મોકલાવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મા ઉમાના સાનિધ્યમાં મંદિર ખાતે કંકોત્રીની સાથે ઉમિયા માતાજીના આશિર્વાદ સાથે કંકુ ચોખા સાથેની કંકોત્રી લખવાના સેવાયજ્ઞમાં બહોળી સંખ્યામાં કડવા પાટીદાર મહિલાઓ બહોળી સંખ્યામાં જોડાઈ હતી.
અમરેલીના મોટા લીલીયા ખાતે આગામી તા.૨૮મી માર્ચના રોજથી પ્રારંભ થઈ રહેલા ત્રિદિવસીય ઉમિયા માતાજી મંદિર લીલીયા મોટા રજત જયંતિ મહોત્સવ નિમિતે યુવાનો, આગેવાનો, સ્વયંસેવકો, મંદિર ટ્રસ્ટના હોદેદારો સહિતના તમામ લોકો ઉત્સવની તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. તો બીજી તરફ આગેવાનો દ્વારા અમરેલી જિલ્લા ઉપરાંત અન્ય ગામો અને શહેરમાં વસવાટ કરતાં કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લોકો સાથે આયોજકો દ્વારા મિટીંગો યોજીને રૂબરૂ નિમંત્રણો પાઠવવામાં આવી રહ્યાં છે.જેમને આગામી દિવસોમાં ઉમિયા માતાજી મંદિર લીલીયા મોટા ખાતે ઉજવાઈ રહેલ રજત જયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે