વહિવટી વિભાગ દ્વારા અલગ અલગ 13 સમિતિઓની રચના
ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા જૂનાગઢના ભવનાથનો શિવરાત્રી મેળો પરંપરાગત રીતે દશકાઓથી યોજાઈ રહ્યો છે. અને આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો, દેશ-વિદેશમાંથી ભવનાથ ખાતે પહોંચે છે. ત્યારે આ મેળાના સુચારું આયોજન માટે જિલ્લા કલેકટર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 13 જેટલી સમિતિઓની રચના કરી, ભાવિકોની સુખ – સુવિધાઓ સુચારુ રીતે જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટરે વહીવટી તંત્રના અધિકારીઓ અને સમિતિના સભ્યોને સૂચનાઓ આપી હતી.
ગિરનારની ગોદમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીના મેળાને લઈને જુનાગઢ જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લાના પોલીસવડા તેમજ વહીવટી શાખાના અલગ અલગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વહીવટી તંત્ર દ્વારા 13 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી. અને તમામ સમિતિઓને કામની વહેંચણી કરાઈ હતી. તે સાથે સોમવાર અને દર ગુરુવારે બપોરે 12 કલાકે એક અહેવાલ રજૂ કરવા રચાયેલી સમિતિના વડાઓને જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું હતું.
આ બેઠકમાં શિવરાત્રીના મેળામાં આવતા લાખોની સંખ્યાના ભાવિકો માટે આરોગ્ય, પીવાના પાણી, ટોયલેટ બ્લોક, અન્ન ક્ષેત્રો, સાધુ-સંતોના ઉતારા, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ટ્રાફિક નિયમન સહિતની વિસ્તાર પૂર્વક ચર્ચા કરી, જિલ્લા કલેકટર દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રીના મેળા માટે વહીવટી તંત્ર દ્વારા જે 13 સમિતિઓની રચના કરવામાં આવી છે તેમાં મુખ્ય સંકલન સમિતિ, મેળા સ્થળ આયોજન સમિતિ, જાહેર સલામતી ટ્રાફિક નિયંત્રણ સમિતિ, ઇલેક્ટ્રીક લાઈટ અને સાઉન્ડ સમિતિ, આમંત્રણ સ્વાગત પ્રોટોકોલ સમિતિ, સાંસ્કૃતિક સમિતિ, પાણી પુરવઠા સમિતિ, સાઈડ તથા ડ્રેનેજ સમિતિ, આરોગ્ય અને આકસ્મિક સારવાર સમિતિ, સંદેશા વ્યવહાર સમિતિ, આવશ્યક ચીજ વસ્તુ સુવિધા સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ અને પ્રકાશન સમિતિ નો સમાવેશ કરવામાં આવ્યો છે