ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ:
૯મીએ ગુરૂપૂર્ણિમાના પાવનપર્વે પરમ પૂજય સંત શિરોમણી શ્રી જગાબાપુના સમાધિના સાનિધ્યમાં પૂ.ભાવેશબાપુ આપશે આશિર્વચન
સિતારામ પરિવારના સેવકોને ધર્મોત્સવનો લાભ લેવા નિમંત્રણ: સાંજે મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીમાં ખ્યાતનામ કલાકારો કરશે જમાવટ
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર ગુરુનું સ્થાન વિશિષ્ટ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિઆવશ્યક છે. ગુરુબિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. આગામી રવિવારે ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ હોય ઉદાસી આશ્રમ પાટડી ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્યાતી ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. આ ધાર્મિક અવસરે પાટડીમાં ગુરુભકિતમય માહોલ છવાશે. પરમપૂજય સંત શિરોમણી બ્રહ્મલીન જગાબાપુના સમાધિના સાંનિધ્યમાં અને પૂ.ભાવેશબાપુના આશિર્વચનથી ૯મીએ ગુરુપૂર્ણિમા પ્રસંગની ઉજવણી કરાશે.
ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલો છે. ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ. શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દુર કરી જ્ઞાનરૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવનશિલ્પી મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. આપણા પ્રમાણોમાં ગુરુનું મહાત્મય ખુબ જ વર્ણવ્યું છે. હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજજો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે, ‘ગુરુ ગોવિંદ દોનુ ખડે કિસ કો લાગુ પાય, બલીહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય’ અર્થાત્ ગુરુની મહત્તા ગોવિંદ કરતા વધારે છે.
સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં બહોળો આસ્થાનું વર્ગ ધરાવતા ખારાઘોડા પાટડી ઉદાસી આશ્રમના બ્રહ્મલીન મહંત પૂ.જગાબાપાના સમાધિ સ્થાન ઉદાસી આશ્રમ ખાતે પૂ.ભાવેશબાપુના આશિર્વચનથી આગામી તા.૯ જુલાઈના રવિવારે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ૯મીએ પ્રાત:કાળ ઉદાસી આશ્રમના સંત શીરોમણી બ્રહ્મલીન પૂ.જગાબાપાના સમાધિ સ્થળનું પુજન કરવામાં આવશે. ત્યારબાદ ઉદાસી આશ્રમના ગાદીપતી પૂજય ભાવેશબાપુ દ્વારા ગુરુપૂજન અને સમાધી પુજનના કાર્યક્રમ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.
આખો દિવસ ચાલનારા આ ધર્મમય માહોલમાં પૂ.ભાવેશબાપુનું ગુરુપુજન સેવકગણ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ સાંજે મહાપ્રસાદ અને રાત્રે યોજાનારા સંતવાણીના ડાયરામાં મેરુભાઈ રબારી (મોજીલો માલધારી), રૂષભ આહિર (મોજી રમકડુ), હરી ગઢવી (ભજનીક), શકિતદાન ગઢવી (ભજનીક), વાઘજીભાઈ રબારી (સાહિત્યકાર), જયમંત દવે (ભજનીક), દડુભા (આશ્રમના કવીરાજ), શિવરાજ ગઢવી (ભજનીક), સુરજપાલ સોલંકી (ગઝલ) સહિતના કલાકારો દ્વારા યોજાનાર લોકડાયરાનું સંચાલન રમેશદાન ગઢવી કરશે. આ લોકડાયરામાં સંગીતના સાજીંદા હરેશભાઈ (બેન્જો માસ્ટર), મુન્ના મહારાજ (તબલચી), જયસુખ સાધુ (તબલચી) અને વાઘુભા ઝાલા (મંઝીરાના માણીગર) સહિતના કલાકારો લોકસાહિત્યનો રસથાળ પીરસશે. ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં સીતારામ પરિવારના સેવકોને ધર્મોત્સવનો લાભ લેવા પૂ.ભાવેશબાપુએ અનુરોધ કર્યો છે.