કોરોનાની ગાઇડ લાઇન મુજબ મતદાન કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અપીલ

જીલ્લા-તાલુકા પંચાયતની કાલની ચૂંટણીમાં રાજકોટ શહેરની હદના ૧૫૮ મતદાન મથકો પર ૧૩૦૦ જવાનોનો બંદોબસ્ત

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રાહબરી માર્ગદર્શનમાં અધિકારીઓ-ટીમો સતત તૈનાત રહેશે : ૮ ચેકપોસ્ટ પર સતત સઘન વાહન ચેકીંગ-૪૫૮ વાહન ચેક કરાયા ગ્રામ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ: હોટેલ, ધાબા, ધર્મશાળા ચેક કરાયા: હિસ્ટ્રીશીટરો, તડીપાર શખ્સો અંગે ચેકીંગ

રાજકોટ જીલ્લા અને તાલુકા પંચાયતની કાલે ચુંટણી યોજાઇ છે ત્યારે જીલ્લા પોલીસની સાથે શહેર પોલીસ પણ સતર્ક બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને ચુંટણી પ્રક્રિયા શાંતિપુર્ણ રીતે થાય તેમજ મતદારોને કોઇ ખલેલ ન પહોંચે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અલગ અલગ જાહેરનામાઓ બહાર પાડી તેનું કડક પાલન કરાવ્યું છે. ચુંટણીના ૪૮ કલાક પહેલા કડક પેટ્રોલીંગ અને ૮ ચેકપોસ્ટ પર કડક વાહન ચેકીંગ કરવામાં આવ્યું છે.

શહેરના મુખ્ય હાઇવેથી શહેરમાં આવતાં રસ્તાઓ પરની આઠ અલગ અલગ ચેકપોસ્ટ પર ૪૮ કલાકમાં ૪૫૮ વાહનો ચેક કરી લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં મતદાન થવાનું છે ત્યાં ફૂટ પેટ્રોલીંગ પણ કરાયું છે. કોમ્બીંગ નાઇટ પણ યોજવામાં આવી હતી. ૫૬ જેટલા હોટેલ, ધાબા, મુસાફરખાના, ધર્મશાળા ચેક કરવામાં આવ્યા હતાં. ૨૨ જેટલા ફાર્મ હાઉસ પણ ચેક કરાયા હતાં. નાસતા ફરતા ૧૬ આરોપીઓ, પેરોલ પર છુટેલા ૧૫ શખસો, ૭૯ જેટલા શંકાસ્પદ સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન ચેક કરાયા છે. હિસ્ટ્રીશીટરો અને તડીપાર થયેલા શખ્સોનું પણ ચેકીંગ થયું છે. જીલ્લા તાલુકા પંચાયતની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા વખતે બહારની વ્યકિતઓ રોકાણ કરે નહિ તેની પણ તકેદારી રાખવામાં આવી છે.

મતદાન મથકમાં મોબાઇલ લઇ જઇ શકાશે નહિ. બુથથી સો મીટરની અંદર કોઇ વાહન લઇને આવી શકશે નહિ. આ માટે પોલીસ સતત સતર્ક કરશે. રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં મતદાનના દિવસે રાજકોટ શહેરની હદમાં આવેલા ૧૫૮ મતદાન મથકો પર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એસઆરપી, હોમગાર્ડ મળી ૧૩૦૦ અધિકારીઓ-કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત રહેશે. સેકટર પેટ્રોલીંગ, ગ્રુપ પેટ્રોલીંગ પણ રાઉન્ડ ધ કલોક રખાશે. ક્ધટ્રોલ રૂમમાં રિઝર્વ અધિકારીઓ, ફોર્સ રાખવામાં આવશે. કયુઆરટી પણ ફાળવવામાં આવી છે. મતદાનને દિવસે મતદારોએ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરી માસ્ક સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ જરૂરી નિયમોનું પાલન કરવાનું રહેશે.

શહેરમાં ૧ માર્ચથી ૧ માસ સુધી સભા સરઘસ પર પ્રતિબંધ

શહેરમાં કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક હુકમ પ્રસિધ્ધ કરી તા.૦૧/૦૩/૨૦૨૧ થી તા. ૩૦-૦૪-૨૦૨૧ સુધી હથીયારબંધી ફરમાવી છે.

તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શ સ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા પર, પ્રાઇવેટ સિકયુરીટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે હથીયાર રાખવા પર અથવા બીજા કોઇ સ્ફોટક પદાર્થો લઇ જવા પર, અથવા જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બૂમો પાડવા ગીતો ગાવા કે વાદ્યો વગાડવા પર પર પ્રતિબંધ મૂકયો છે. પોલીસ કમિશ્નર રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાર પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યો સામે પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા

આ ઉપરાંત પોલીસ કમિશનએ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે તા.૦૧/૦૩ થી ૩૦/૪ સુધી સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. સરકારી અથવા અર્ધસરકારી નોકરીમાં ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. સૈન્ય તથા સશસ્ત્ર દળોના ગણવેશ વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

ભુતકાળમાં સૈન્યના ગણવેશમાં આતંકવાદી હુમલો થયેલ હોવાથી તથા રાજયના વિવિધ શહેર જિલ્લાઓમાં સૈન્ય તથા સશસ્ત્ર દળોને સામ્યતા ધરાવતા ગણવેશનું વેંચાણ થતું હોવાનું તથા તેનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા દેશદ્રોહી ગેરકાયદેસર પ્રવૃતિમાં થતો હોવાનું જણાતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સૈન્ય તથા સશસ્ત્ર દળોને સામ્યતા ધરાવતા ગણવેશનું વેચાણ તથા ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.