પેટાજ્ઞાતિનાં હોદેદારોને લેખિત જાણ કરી તટસ્થ નિરીક્ષકોની પેનલ હેઠળ ચૂટણી યોજવી અનિવાર્ય
સમસ્ત બ્રહ્મ સમાજ પાંખના જીલ્લાના હોદેદારોની અવધિ પૂર્ણ થતા સૌરાષ્ટ્ર-કચ્છના જીલ્લાઓમાં નવા હોદેદારોની ચુંટણીની ગતિવિધિ તેજ કરી છે જે અનુસંધાને જામનગર જીલ્લામાં ગઈકાલે યોજાયેલ ચુંટણીમાં ફરી એકવાર પ્રફુલભાઈ વાસુ પુન: પ્રમુખ બનવા માટે ભાગ્યશાળી પુરવાર થયા છે.
જયારે આગામી સમયમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાવિ હોદેદારોની ચુંટણી થનાર છે ત્યારે જીલ્લાકક્ષાએ હોદેદાર થવા અનેક ભુદેવો અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે જીલ્લાકક્ષા કે તાલુકાકક્ષાના જે કોઈ હોદેદારોની નિમણુક કરવાની થતી હોય ત્યારે તટસ્થ નિરીક્ષકોની પેનલ હેઠળ ચુંટણી યોજાય છે ખરી ?
માત્ર પાંચ પંદર ચાણકયો જ નિરક્ષક નકકી કરે અને તેઓજ પરસ્પર નામોના સુચન કરે અને મોટાભાગનો બ્રહ્મ સમાજ આવી ચુંટણોથી અજાણ હોય ત્યારે આ રાજકીય પરંપરામાંથી બહાર નિકળી આ પંથકમાં રહેલ પંદરથી સતર જેટલી પેટાજ્ઞાતિઓના નિયત હોદેદારોને લેખિત જાણ કરવા સાથે અખબારો મારફતે લોકોને જાણ કરવી જોઈએ.
જેઓની સાત-સાત દાયકાની કારકિર્દી તટસ્થ અને સાતત્યપૂર્ણ પુરવાર થઈ હોય એવા જે.કે.જોષી, હર્ષદભાઈ વ્યાસ, ડો.સુભાષભાઈ ભટ્ટ જેવા પીઠ વડિલોની પેનલની ઉપસ્થિતિમાં ચુંટણી યોજાય તે જરૂરી છે. નાના કે મોટા હોદેદારોની માત્ર પૂર્વાપૂર્વની સમજુતી પ્રમાણે નામો સુચવવાથી બહેતર એ છે કે હોદા પ્રમાણે તેઓની કાબેલિયત કેવી છે ? બ્રાહ્મણો કાળપુરુષ એટલે કે ભગવાનના મુખારમાંથી ઉત્પન્ન થયા છે છતાં આજના આ જમાનામાં બ્રાહ્મણો તેઓનું પ્રભુત્વ અસરકારક બનાવી શકયા ન હોય ત્યારે કાબેલિયત વગરના હોદેદારનો અર્થ શું ?