લાભુભાઇ ત્રિવેદી ઇન્સ્ટ્ીટ્યુટ ઓફ એન્જિનીયરીંગ ટેકનોલોજીને મુખ્ય યજમાનની જવાબદારી: ત્રિ-દિવસીય યુવક મહોત્સવમાં સંગીત નૃત્ય, નાટ્ય, કલા, સાહિત્ય સંલગ્ન 25થી વધુ સ્પર્ધાઓમાં થશે યુવા વર્ગની ટક્કર

સૌરાષ્ટ્ર-ગુજરાતના કેળવણી ક્ષેત્રે વિદ્યાર્થીઓના સંર્વાગી વિકાસ અને વ્યક્તિ ઘડતર માટે મોખરાનું સ્થાન ધરાવતી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાભુભાઇ ત્રિવેદી ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનીયરીંગ ટેકનોલોજી કોલેજને આ વર્ષે જીટીયુના 10માં યુવક મહોત્સવ ક્ષિતિજ-22ના યજમાન પદ માટે પસંદગી કરવામાં આવી છે. આ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે.

‘અબતક’ની મુલાકાતે આવેલા સહજભાઇ મારૂ, વિજયભાઇ પંડ્યા, લ્યુસી બગડાઇ, હર્ષ સોની અને વિશ્ર્વ ગઢવીએ કાર્યક્રમને સવિસ્તાર માહિતી આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભારરૂપ ભણતર સાથે વિદ્યાર્થી વર્ગમાં દિવસેને દિવસે ઇતર પ્રવૃત્તિમાં રસપૂર્વક ભાગ લેવાનો ઉત્સાહ ક્યાંકને ક્યાંક ઓસરતો જતો હોય તેવું નજરે પડે છે ત્યારે જેમ ગમત સાથે જ્ઞાન મળે અને જો ક્યાંક વિવિધ સ્પર્ધાઓ યોજાય તો સૌ છાત્રો ખીલી ઊઠે છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી જીટીયુમાં યુવક મહોત્સવ યોજી શકાયો ન હતો. પરંતુ હવે જ્યારે સ્થિતિ કાબુમાં છે ત્યારે આગામી તારીખ 15 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ સુધી જીટીયુનો 10મો યુવક મહોત્સવ શહેરની મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજના યજમાન પદે યુવક મહોત્સવ “ક્ષિતિજ-22” આયોજન કરવામાં આવ્યું છે.

જીટીયુ સંલગ્ન સૌરાષ્ટ્રભરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં જુદીજુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા આવશે. યુવક મહોત્સવમાં મુખ્ય પાંચ કેટેગરી જેવી કે મ્યુઝિક, થિયેટર, ડાન્સ, ફાઇન આર્ટ્સ અને લિટરેચર અંતર્ગત જુદીજુદી 25થી વધારે સ્પર્ધાઓ યોજાનર છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઇજનેરી તેમજ ફાર્મસીના યુવાનો અને યુવતીઓ દ્વારા કળા શિક્ષણ અને સંસ્કૃતિને લગતી આવડતો રજૂ કરવામાં આવશે. યુવક મહોત્સવમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઇ મોકરીયા, જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠ, ગુજરાતી ફિલ્મના અભિનેતા તેમજ યુવક વક્તા હર્ષલભાઇ માંકડ, બ્રાઇટ ફિઝીયોથેરાપી સેન્ટરના ન્યુરો મસ્ક્યુલર કન્ડિશનના ડો.શિવાંગી માંડવીયા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોશી, ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) કોલેજના પ્રિન્સિપાલ ડો.બી.એમ.રામાણી, જીટીયુના રમતગમતના અધિકારી ડો.આકાશ ગોહિલ, જીટીયુના કુલસચિવ ડો.કે.એન. ખેર ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. યુવક મહોત્સવને લઇને કોલેજની વેબસાઇટ  www. sltiet. edu.in  નો સંપર્ક કરવા કોલેજના પ્રિન્સિપાલ તેમજ યુવક મહોત્સવના અધ્યક્ષ ડો.બી.એમ. રામાણીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.