રાજકોટમાં 29મીએ જાહેરસભા યોજવાનો ફાઇનલ નિર્ણય જાહેર કરાયો છે. જે રીતે અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં પાટીદારોનો મહાસાગર ઊમટી પડ્યો હતો તેવો જ માહોલ રાજકોટમાં સર્જી દેવાનું એલાન પાસે કર્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી પાટીદારોને એકત્ર કરીને સભા ઐતિહાસિક બનાવવાની તૈયારી પણ સ્થાનિક કન્વીનરોએ શરૂ કરી દીધી છે.
નરેન્દ્ર મોદી એ રોડ-શો કર્યો હતો એ રૂટ સહિત સમગ્ર રાજકોટમાં રોડ-શો થાય તેવી પણ તૈયારી
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી ફરી એકવખત પાટીદાર એકતાનો પરચો આપવામાં આવશે તેમ પાસના આગેવાનોએ પડકાર ફેંક્યો છે. સ્થાનિક કન્વીનરોએ જણાવ્યું હતું કે, આમ તો ક્રાંતિ રેલી સ્વરૂપે હાર્દિકનો રોડ-શો કરવાની ગણતરી છે. જે રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ-શો કર્યો હતો એ રૂટ સહિત સમગ્ર રાજકોટમાં રોડ-શો થાય તેવી પણ તૈયારી છે. જો કે હાલની તકે તો જાહેરસભા યોજવાનું ફાઇનલ કરાયું છે. સભાની મંજૂરી ન મળે તો પણ કોઇ પણ સંજોગોમાં આ સભા થશે જ તેવો પડકાર પણ ફેંક્યો છે.
સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં પાટીદારોને રાજકોટમાં એકત્ર કરાશે
અનામત આંદોલનના પ્રારંભે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાનમાં જે માહોલ સર્જાયો હતો એ માહોલનું પુનરાવર્તન રાજકોટમાં થશે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં પાટીદારોને રાજકોટમાં એકત્ર કરાશે તેમ પાટીદાર કન્વીનરોએ ઉમેર્યું હતું. સભા સહિતના આયોજન અને હાર્દિક પટેલના કાર્યક્રમ અંગેની સત્તાવાર માહિતી એકાદ બે દિવસમાં જ મીડિયા મારફતે જનતા સુધી પહોંચાડવામાં આવશે તેમ પાસના રાજકોટના આગેવાનોએ જણાવ્યું હતું.