મેળા માટે પ્લોટની હરરાજી કરવા મહાપાલિકા દ્વારા ઓફરો મંગાવાઇ: મેળો યોજવો કે નહીં તે અંગે આખરી નિર્ણય સરકાર લેશે: જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી
ગરવા ગઢ ગિરનારની સાનિધ્યમાં ભવનાથ મહાદેવ જ્યાં સાક્ષાત્ બીરાજમાન છે અને જેમના સાનિધ્યમાં મહાશિવરાત્રીનો મેળો દર વર્ષે યોજાય છે, જેને સરકારે પણ મીની કુંભ મેળો જાહેર કરેલ છે તેવા આ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતો શિવરાત્રીનો મહામેળો કોરોના કાળમાં આ વર્ષે યોજાશે કે કેમ તે બાબતે ભારે અવઢવ પ્રવર્તી રહી છે. ત્યારે આગામી તારીખ ૭ મી માર્ચે આવી રહેલા શિવરાત્રી મેળા સબબ જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવશે અને સુચના આપવામાં આવશે તે મુજબ શિવરાત્રિનો મેળો યોજાશે. જો કે, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ રાબેતા મુજબ કરવામાં આવી રહી છે અને આખરી નિર્ણય સરકારના માર્ગદર્શન ઉપર નિર્ભર થશે તેમ જાણવા મળે છે. આગામી શિવરાત્રીનો મેળો ૭ મી માર્ચે સંભવત: યોજવામાં આવી રહ્યો છે ત્યારે આ વર્ષે મેળો થશે કે કેમ તેનો સવાલ સર્વત્ર ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેળાને અનુલક્ષીને પ્લોટની હરરાજી અંગેની જાહેરાત પણ મૂકવામાં આવી હતી. દરમિયાન ૭ માર્ચનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે શિવરાત્રી મેળા અંગે નિર્ણય આવે તે બાબતે સંબંધિત તમામની મિટ રહેલી છે. દરમિયાન જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી એ પત્રકારોને જણાવ્યા અનુસાર, આ વર્ષે શિવરાત્રી મેળો કઈ રીતે યોજવો તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવેલ નથી પરંતુ હાલના સંજોગોમાં શિવરાત્રી મેળા અંગેની રૂટીન મુજબની કાર્યવાહી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. મહાશિવરાત્રીનો મેળો વર્ષોની પરંપરા મુજબ યોજવો કે પછી જે રીતે સાધુ-સંતોની પરિક્રમા નું આયોજન કરાયું હતું તે રીતે મેળાને યોજવો બાબતે રાજ્ય સરકાર યોગ્ય માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી કરાશે.