ધોરડોના સફેદ રણમાં દિવાળી પૂર્વે યોજાય છે રણોત્સવ
દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ ભાગ લેવા કચ્છ આવે છે
કચ્છમાં લોકડાઉનની છુટછાટો વચ્ચે આગામી નવેમ્બર માસમાં રણોત્સવ ૨૦૨૦ યોજવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રણોત્સવના આયોજન માટે બે માસ અગાઉ તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. એ મુજબ હાલ તૈયારી શરૂ દેવાઇ છે જો કે રણોત્સવની તારીખો જાહેર થઇ નથી.
રાજય સરકાર દ્વારા ધોરડો ખાતે ચોમાસા બાદ નવેમ્બર માસમાં રણોત્સવ યોજવામાં આવે છે આ રણોત્સવમાં દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ભાગ લે છે. કચ્છમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રાજય સરકાર દ્વારા દિવાળીના તહેવારો પહેલા ધોરડોના સફેદ રણમાં રણોત્સવ ઉજવવામાં આવે છે. રાજય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દેશ વિદેશના પ્રવાસીઓને કચ્છમાં આકષવા વિવિધ પ્રવાસો કરવામાં આવે છે તેમાં આ રણોત્સવનું મહત્વનું પ્રદાન છે. રણોત્સવમાં રોજે રોજ સંગીત પાર્ટી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે આ રણોત્સવમાં વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે.
આ વર્ષે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડયો છે. કચ્છમાં સારા વરસાદથી કચ્છના ધોરડો ખાતેના રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે.
આમ છતાં આ પાણી નવેમ્બર માસ સુધીમાં સુકાઇ જશે એટલે એ વિસ્તાર સફેદ રણ બની જશે. રણોત્સવ યોજવા માટેની તૈયારીઓ જઇ ગઇ છે.
રાજયમાં હાલ કોરોનાનો કહેર છે અને લોકડાઉન બાદ ઘણી ખરી છુટછાટો મળી છે અને સામાજીક અંતર જાળવવા, માસ્ક પહેરવા જેવા નિયમોના પાલન સાથે મોટાભાગનું જનજીવન ધબકતું થઇ ગયું છે. પણ હજી મોટા જાહેર કાર્યક્રમો થતાં નથી શાળા કોલેજો પણ હજુ શરુ થયા નથી ત્યારે આ રણોત્સવના આયોજનની તૈયારીઓ થવા લાગી છે. કોરોના બાદ પ્રથમ વખત આ આયોજન છે એટલે તેમાં દેશ વિદેશથી કેવા પ્રવાસીઓ આવશે તે અંગે અનુમાન કરવું રહ્યું.
પ્રવાસનમંત્રી શું કહે છે?
રાજયના પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે કચ્છ રણોત્સવ અંગે પ્રવાસન વિભાગ દ્વારા કોઇ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિક કક્ષાએ તૈયારી શરૂ કરવામાં આવી છે. આખરી નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી લેશે. રણોત્સવ યોજવો કે નહીં તે જે તે સમયે સ્થિતિ જોઇને નિર્ણય કરાશે.