બે હેલીપેડ, ૧૫૦૦ વ્યકિતઓની ક્ષમતાનું ડોમ, ર૦ થી રપ ડેલીગેશન, સરપંચો સાથે સરહદી સતર્કતા અંગેના સૂચનો વગેરે માટે તંત્ર ઉંધા માથે… પરંતુ સતાવાર કાર્યક્રમ જાહેર ન કરાતા પોલીસ-વહીવટી તંત્ર ધંધે લાગ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધોરડો અને કોટેશ્વરની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ધોરડોમાં ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો સાથે વાર્તાલાપ કર્યા બાદ કોટેશ્વર રાત્રિ રોકાણ કરશે. જે અંગે ધોરડો સફેદ રણમાં તૈયારીઓ ચાલી રહી છે પરંતુ આ અંગે સત્તાવાર કોઇ કાર્યક્રમ જાહેર થયો ન હોઇ સત્તાવાર હેવાલની રાહ જોવાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.૧૨ અને ૧૩ના બે દિવસ માટે કચ્છ આવી રહ્યા છે. તા.૧૨ના સવારે ૧૧કલાકે ભુજ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ હેલીકોપ્ટરથી ધોરડો રવાના થશે, જયાં સફેદ રણમાં બપોરે ૧૨થી ૩વાગ્યા સુધીના કાર્યક્રમમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો સાથે સરહદી સતર્કતા અને બીએડીપી (બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) અંતર્ગત સરહદી ગામોમાં ચાલતા કામો અંગે સરપંચોના મંતવ્યો જાણશે અને પોતાના વિચારો રજૂ કરશે. સરહદે દુશ્મન દેશના અટકચાળા વચ્ચે જમ્મુ-કાશ્મિરની જેમ આ વિસ્તારના લોકોને કઇ રીતે સતર્ક કરવા તે દિશામાં પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
કાર્યક્રમમાં ભુજ, ભચાઉ, રાપર અને લખપતના સરહદી ગામો તેમજ પાટણ, બનાસકાંઠાના સરહદી ગામોના સરપંચો હાજરી આપશે. વધુમાં બન્ની અમુક ગામોમાંથી ૨૦થી ૨૫ જેટલા ડેલીગેટસને પણ બોલાવાશે, જેને લઇને પાસ સહિતની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે અને તે માટે ૧૫૦૦ વ્યક્તિની ક્ષમતાનું ડોમ પણ તૈયાર થઇ રહ્યું છે અને હેલીકોપ્ટર માટે બે હેલીપેડ પણ બનાવાઇ રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી કોટેશ્વર જવા રવાના થશે, જયાં બીએસએફની ૨૭૦ બટાલીયન સાથે વાર્તાલાપ કરશે. કોટેશ્વરમાં રાત્રિ રોકાણ કરશે અને તા.૧૩મીએ સરહદે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. જો કે, આ અંગે તંત્ર દ્વારા હજુ સુધી સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. દીપોત્સવી પર્વના સપરમાં દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી આવી રહ્યા હોવાની શક્યતા વચ્ચે સત્તાવાર કાર્યક્રમ જાહેર ન કરાતાં પોલીસ, વહીવટી તંત્ર પણ ધંધે લાગ્યું છે.
ધોરડો, દિનારાના મોવડી-સરપંચો સંબોધશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૨મીએ ધોરડો સફેદ રણમાં યોજાનારા કાર્યક્રમમાં ધોરડોના સરપંચ અને દિનારાના ઉપસરપંચ પૈકી કોઇ એક ઉપસ્થિત સરપંચો, ગ્રામજનોને સંબોધે તેવી શક્યતા સેવાઇ રહી છે.