લોકોને સીધો ફાયદો થાય તેવી યોજનાઓ ચાલુ કરવા તંત્રની કવાયત
ભાજપ સંગઠન હવે ચૂંટણીના મોડમાં આવી ગયું છે અને વિવિધ કાર્યક્રમોની જાહેરાત થવા લાગી છે તેમ ભાજપ સરકાર દ્વારા પણ હવે પછીના કાર્યક્રમો ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોઠવાઈ રહ્યા છે. ઓક્ટોબરમાં ચૂંટણી જાહેર થાય તેવી શકયતા નિહાળતા ભાજપના મોવડીઓ સરકારી ખર્ચે કાર્યક્રમ યોજી શકાય તે માટે દોઢ મહિનાથી પણ ઓછો સમય હોવાની ગણતરી મૂકી રહ્યા છે. નર્મદા યાત્રાને સરકારના કાર્યક્રમ તરીકે જાહેર કરાયો છે, જે ૬ સપ્ટેમ્બરથી શરૂ થશે. સપ્ટેમ્બરમાં જ ગરીબ કલ્યાણ મેળા પણ મોટાપાયે યોજાશે. જેમાં નાના વ્યવસાય કરતા કારીગરો કે અન્ય લોકોને તેના સાધનો પણ સીધા આપી દેવામાં આવશે.
ભાજપ સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં બે મોટા કાર્યક્રમોની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. ૬થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત સરકાર દ્વારા નર્મદા મહોત્સવ યાત્રા યોજવાનું નક્કી કરાયું છે. જેમાં ૮૦ જેટલા રથ ગામેગામ ફરીને નર્મદા યોજનાના લાભો વિશેની માહિતી લોકો સુધી પહોંચાડશે.