લોકોને વ્યાજબી ભાવે પાર્ટી પ્લોટની સુવિધા મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રનું ઉમદા પગલું
રાજકોટની ભાગોળે આવેલા ઈશ્ર્વરીયા પીકનીક પાર્કમાં ટૂંક સમયમાં જ પાર્ટી પ્લોટની સુવિધા મળે તે માટેનું સુંદર આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરાઈ છે. આ મામલે આવતીકાલે જિલ્લા કલેકટર ઈશ્ર્વરીયા પાર્કની સ્થળ મુલાકાત લેનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ હાલમાં રાજકોટ શહેરમાં અનેક પાર્ટી પ્લોટ આવેલા છે જેના મોંઘાદાટ ભાડા સામાન્ય કે મધ્યમ વર્ગને પરવડી શકે તેમ ન હોય આવી સુવિધા લોકોને વ્યાજબી ભાવે આપી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની ભાગોળે આવેલ ઈશ્ર્વરીયા પાર્કમાં પાર્ટી પ્લોટ ઉભો કરવા ગંભીરપણે વિચારણા કરવામાં આવી છે.
વધુમાં ઈશ્ર્વરીયા પીકનીક પાર્કને વધુ લોકભોગ્ય બનાવવા તેમજ પાર્કની વિશાળ જગ્યાનો વધુને વધુ ઉપયોગ થાય તે હેતુથી પ્રજાભિમુખ વહીવટ આપતા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા પાર્ટી પ્લોટ શરૂ કરી શકાય કે તેમ તેની શકયતાઓ ચકાસવા માટે આવતીકાલે પાર્કની રૂબરૂ મુલાકાત લેનાર છે. જો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈશ્ર્વરીયા પાર્કમાં પાર્ટી પ્લોટ નિર્માણ કરાય તો લોકોને વ્યાજબી ભાડાથી આ પાર્ટી પ્લોટ મળી શકે તેમ હોવાનું પણ સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.