વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇ ગેરલાયક ઠરતા આઠ મહિનાથી બે બેઠકો ખાલી
રાજકોટ મહાનગરપાલિકાની વર્ષ-2021માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં.15માંથી કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટાયેલા વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ કોર્પોરેશન પદેથી રાજીનામું આપ્યા વિના જ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો. જેની સામે પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ શહેરી વિકાસ વિભાગના દરવાજા ખખડાવ્યા હતા. ચૂંટણી 5ંચમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે આ બંનેને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. વોર્ડ નં.15ની ખાલી પડેલી બે બેઠકો માટે પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આજે ચૂંટણી માટે મતદારયાદી પ્રસિદ્વ કરી દેવામાં આવી છે.
ગેરલાયક ઠરેલા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ અદાલતના દ્વાર ખખડાવ્યા છે. જે કેસનો હજુ સુધી કોઇ નિકાલ આવ્યો નથી. દરમિયાન કોર્પોરેશનની ચૂંટણી શાખા દ્વારા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આજે વોર્ડ નં.15ની મતદારયાદી પ્રસિદ્વ કરી દેવામાં આવી છે. જો કે, બેઠકો માટેની પેટા ચૂંટણીથી સત્તાના સમિકરણો પર કોઇ જ અસર થવાની નથી. કારણ કે જો આ બંને બેઠકો પેટા ચૂંટણીમાં કોંગ્રેસ જાળવી રાખે તો પણ સભ્યસંખ્યાબળ માત્ર ચારએ પહોંચી શકે તેમ છે. જ્યારે બહુમતી માટે 37 કોર્પોરેટરો હોવા જરૂરી છે. બીજી તરફ પેટા ચૂંટણીમાં ભાજપ વોર્ડ નં.15ની બંને બેઠકો જીતીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસ કરશે. સાથોસાથ પોતાનું સભ્યસંખ્યાબળ વધારવાનો પ્રયાસ કરશે.
રાજકોટ મહાનગરપાલિકાની પ્રસોંગપાત વોર્ડ નં -15ની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી યોજવા સારૂ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોપોરેશન (મતદાર નોધણી) (ત્રીજો સુધારો) નિયમ-2015ના નિયમ 4 થી 7 મુજબ અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોપોરેશન (મતદાર નોધણી) (સુધારા) નિયમો -2020ની જોગવાઈ મુજબ મહાનગરપાલિકાની ફોટાવાળી મતદાર યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવાની થાય છે. જે અંતર્ગત વિધાનસભાની તા.01/04/2023ની લાયકાતની તારીખની સ્થિતિની તા.15/05/2023ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી પરથી, વોર્ડ નં -15ની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીમાં મતદારો મતદાનથી વંચિત ન રહે તે માટે ફક્ત વોર્ડ નં -15ની મુસદ્દારૂપ મતદાર યાદી આજે વોર્ડ નં -15ની વોર્ડ ઓફીસ -80 ફૂટનો રોડ, રિલાયન્સ પેટ્રોલ પમ્પની બાજુમાં, અમૂલ સર્કલ પાસે, 80 ફૂટનો રોડ, રાજકોટ તેમજ ચૂંટણી શાખા, રૂમ નં -11, ત્રીજો માળ, મધ્યસ્થ કચેરી, ડો.આંબેડકર -ભવન, ઢેબર રોડ,રાજકોટ ખાતે જાહેર જનતાની જોવા સારૂ રાખેલ છે.