ર૦ વર્ષથી વધુ જુના નોન એ.સી. કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવવાની તૈયારીઓ શરૂ
કોરોના વાઇરસની મહામારીને રોકવા કોરોના દર્દીઓની સારવાર માટે ટ્રેનના કોરોને આઇસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવાયો છે. જે અનુસંધાને પશ્ર્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં ર૦ વર્ષથી વધુ જુના નોન એસી કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવવાની તૈયારીઓ શરુ કરાઇ છે. રાજકોટ મંડળના ઓખા, હાપા અને રાજકોટના કોચિંગ ડેપોમાં યાંત્રીક વિભાગ દ્વારા આ તૈયારી શરુ કરાઇ છે. ડોકટરના દિશા નિર્દેશ મુજબ કોચમાં જરુરી પરિવર્તન થઇ રહ્યું છે.
કોચમાં ચિકિત્સા ઉપકરણ લગાવવામાં આવશે. કોચના એક ટોઇલેટને બાથરુમમાં પરિવર્તિત કરવામાં આવશે. કોચની બારીઓથી મચ્છરો ન આવે તે માટે મચ્છરદાની લગાવવામાં આવશે. દરેક કોચમાં ૬ થી ૭ દર્દીઓની સારવાર થઇ શકશે. રેલ કર્મીઓ આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા જોશભેર કામે લાગ્યાં છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજકોટ રેલવેના સ્ટેશન એન્જીનીયર ધીરેન્દ્રકુમાર પ્રસાદે જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાની મહામારીને ધ્યાને લઈ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટ્રેનના ૨૦ કોચ બનાવવા માટે જણાવાયું છે. જેમાં રાજકોટ ડેપો ૬ કોચ બનાવી રહ્યું છે. બાકીના કોચ હાપા અને ઓખા ડેપો બનાવશે. કોચના સ્લીપર કોચના મિડલ બર્થને કાઢી નાખી આઈશોલેશન વોર્ડ બનાવવામાં આવ્યું છે. શૌચાલયને બાથરૂમમાં ફેરવવામાં આવ્યું છે. કોચની અંદરની વિન્ડોમાં મચ્છરદાની સ્થાપિત કરવામાં આવશે તથા એક કોચમાં ૯ વોર્ડ બનાવી રહ્યાં છે. જેમાં પ્રથમ વોર્ડ નર્સીંગ સ્ટાફમાં હશે. ૮ વોર્ડમાં પેશન્ટને રાખી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.