- હરિપ્રસાદ સ્વામીજીના પ્રાગટ્યદિનની હરિધામમાં ભાવસભર ઉજવણી
- પ્રેમસ્વરૂપ સ્વામીની પૂજનવિધિ વિવિધ પરંપરાના સંતોની ઉપસ્થિતિ:સાંજે મહોત્સવમાં પચાસ હજારથી વધુ ભક્તો ઉમટ્યા: હરિપ્રસાદ સ્વામીની સ્મૃતિમાં નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાને રૂ.25 લાખનું દાન
હરિધામ-સોખડાને પોતાનાં યુગકાર્યનું કેન્દ્ર બનાવીને ગુરુહરિ યોગીજી મહારાજનાં સંપ, સુહૃદભાવ, એકતાનાં સંદેશ ઉપરાંત આત્મીયતા અને દાસત્વનાં પંચામૃતથી સમાજનાં પોતને મજબૂત કરનારા હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 88મા પ્રાગટ્યદિનની દિવ્યતાસભર વાતાવરણમાં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનો પ્રારંભ સવારે વિશ્વશાંતિ યજ્ઞ સાથે થયો હતો. ત્યારબાદ વિવિધ પરંપરાના વડીલ સંતોની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીની શાસ્ત્રોક્ત રીતે પૂજનવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતોએ આશીર્વચન પાઠવ્યાં હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંત મહાનુભાવોમાં સંતભગવંત પરમ પૂજ્ય જશભાઈ સાહેબજી (અનુપમ મિશન), પરમ પૂજ્ય સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતી (આર્ષ વિદ્યા મંદિર), પરમ પૂજ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી (વિશ્વ હિન્દુ ફોરમ), પરમ પૂજ્ય કૃષ્ણમણિજી મહારાજ (પ્રણામી સંપ્રદાય), પરમ પૂજ્ય અદ્રશ્ય કરાડ સ્વામી (કનેરી મઠ- કોલ્હાપુર), પરમ પૂજ્ય યોગીનાથજી, પરમ પૂજ્ય દામોદરદાસજી મહારાજ (મહામંત્રી, અખિલ ભારત સંત સભા), પરમ પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ, પરમ પૂજ્ય દિનેશગીરીજી મહારાજ (નિરંજન અખાડા), પરમ પૂજ્ય ભરતભાઇ (પવઈ), પરમ પૂજ્ય બાપુ સ્વામી, પરમ પૂજ્ય અશ્વિન ભાઈ, પ. પૂ. શાંતિભાઈ સહિતના સંતોનો સમાવેશ થાય છે.
બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રસાદીની શાલ અને પાઘ ધારણ કરાવીને પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. સંતભગવંત પરમ પૂજ્ય જશભાઈ સહિતના સંતોએ પૂજન કરીને પ્રેમસ્વરૂપ સ્વામીજીને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સંતોએ પ્રેમસ્વરૂપ સ્વામીજીનું પૂજન કરીને આશીર્વચન પાઠવ્યાં હતાં
પૂજનવિધિના પ્રારંભે પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ સૌપ્રથમ ઠાકોરજી, બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને સંત ભગવંત પરમ પૂજ્ય જશભાઈનું પૂજન કરીને પુષ્પ હાર અર્પણ કર્યા હતા. એ પછી ઉપસ્થિત તમામ સંતોનું તેઓએ પૂજન કરીને પુષ્પમાળા અર્પણ કરીને તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે આશીર્વચન આપતાં પ. પૂ. જશભાઈએ કહ્યું હતું કે, અક્ષરપુરુષોત્તમ ઉપાસના એ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની ઉપાસના છે. સંત એ પ્રભુના ધારક હોય શકે પણ, પ્રભુ ક્યારેય ન હોય શકે. શાસ્ત્રીજી મહારાજે અને હરિપ્રસાદ સ્વામીજીએ હમેંશા આ વાત સહુને સમજાવી છે. હરિપ્રસાદ સ્વામીજીએ આપણને પ્રેમસ્વરૂપ સ્વામીની ભેટ આપી છે. તેઓ હવે પ્રેમસ્વરૂપ સ્વામી દ્વારા કાર્ય કરવાના છે. તેઓએ પ્રેમસ્વરૂપ સ્વામીજીના આધ્યાત્મિક ગુણોનું દર્શન કરાવ્યું હતું.પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાને વિદ્યાર્થીઓ માટેનાં ભોજનાલયનાં નિર્માણ માટે રૂ.25 લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. સાંજે મુખ્ય સમારોહ યોજાયો હતો. જેમાં પચાસ હજારથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે પ. પૂ. જશભાઈ, પ. પૂ. પ્રેમસ્વરૂપ સ્વામી અને સંતમંડળ સુશોભિત બગીમાં મહોત્સવના સ્થળે પહોંચ્યા ત્યારે ભાવિકોએ ગગનભેદી જયનાદો સાથે વધાવ્યા હતા.સત કૈવલ સંપ્રદાયના ધર્મગુરૂ અને અખિલભારત સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય આચાર્ય અવિચલદાસજી મહારાજ આ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વચનમાં તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં પ્રગતિ માટે ગુરુનું શરણ અને પ્રભુનાં ચરણ હોવાં જોઈએ. એ ચરણ પ્રભાવથી જીવનની દરેક સફર યાત્રા બને છે અને દરેક કર્મ પૂજા બની રહે છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતે પ્રભુમય જીવન જીવીને આદર્શ રચેલો. એ માર્ગે સહુએ ચાલવાનું છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હવે પોતાનું કાર્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી દ્વારા કરવાના છે એ વાતમાં વિશ્વાસ અને શ્રધ્ધા રાખીને આગળ વધીશું તો દરેક કાર્યમાં સ્વામીજીની શક્તિ મળશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, યોગી ડિવાઇન સોસાયટી અને શ્રી હરિ આશ્રમના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતે વિદ્યમાન હતા ત્યારે વધતી વય અને નાજુક સ્વાથ્યના કારણોસર હરિધામ સોખડા સાથે સંલગ્ન તમામ ટ્રસ્ટોના પ્રમુખપદેથી રાજીનામું આપીને પોતાના સ્થાને પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીની વરણી થાય તેવી ઈચ્છા વ્યક્ત કરેલી. તે અનુસાર પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી યોગી ડિવાઇન સોસાયટી અને શ્રી હરિઆશ્રમ સહિત ટ્રસ્ટોના અધ્યક્ષ બન્યા હતા. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હરિધામ સાથે સંલગ્ન તમામ ટ્રસ્ટના સ્થાપક અધ્યક્ષ હતા. હરિધામની પરંપરામાં આધ્યાત્મિક વડા જ ટ્રસ્ટના પ્રમુખ બને છે. એ રીતે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની ઈચ્છા અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષ બનેલા પ્રેમસ્વરૂપ સ્વામીજી આધ્યાત્મિક વડા બને છે.