સંતો-ભક્તો-રાજકીય અગ્રણીઓ વગેરે મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા વિશ્વવંદનીય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દિવ્ય અસ્થિ પુષ્પોને ગોંડલમાં અક્ષરમંદિર સ્થિત અક્ષરઘાટથી ગોંડલી નદીમાં વિસર્જિત કરવામાં આવ્યાં છે. સંતો ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી અને સંતોએ અસ્થિપુષ્પોને જળપ્રવાહમાં સમર્પિત કર્યા ત્યારે ભાવવિભોર દ્રશ્ય સર્જાયાં હતાં. આ પહેલાં હરિધામ-સોખડાથી પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીનાં નેતૃત્વમાં સંતો, સાધકો અને ભક્તો અસ્થિ વિસર્જન યાત્રા લઈને રાજકોટ પધાર્યા ત્યારે માલીયાસણ નજીક અમદાવાદ રોડ ઉપર અને આત્મીય યુનિવર્સિટી પરિસરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ યાત્રા ગોંડલ સ્થિત અક્ષરમંદિર પહોંચી હતી. વિશાળ ભક્ત સમુદાયે મંદિરની પાછળના ભાગે અક્ષરઘાટ પર યાત્રાનું સ્વાગત કર્યું હતું. અક્ષરઘાટ પર ફૂલોની વિશિષ્ટ શોભા કરવામાં આવી હતી તેમજ અસ્થિ વિસર્જન માટે વિશેષ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું. રાજકોટના વિદ્વાન શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીએ શાસ્ત્રોક્ત વિધિથી અસ્થિપુષ્પોનું પૂજન કરાવ્યું હતું. વેદોક્ત ગાન અને સ્વામિનારાયણ મહામંત્રનાં રટણ સાથે પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ અસ્થિપુષ્પોને જળપ્રવાહમાં સમર્પિત કર્યા હતાં. પૂજ્ય સંતવલ્લભસ્વામી, પૂજ્ય પ્રબોધજીવન સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી સહિતના વડીલ સંતો તેમની સાથે રહ્યા હતા.

રાજકોટમાં દિવ્યાંગ બાળકો માટે સેવારત સ્વૈચ્છીક સંસ્થા પ્રયાસનાં બાળકોએ ગૌદ્રવ્યમાંથી બનાવેલ એક હજાર કોડિયાંથી અસ્થિ વિસર્જન સમયે મહાઆરતી કરવામાં આવી હતી.પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીને ઇ.સ. 1965માં અક્ષરમંદિરમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની સાથે જ દીક્ષા આપેલી. તે વાતની સ્મૃતિ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, સ્વામીજીની સાથે દીક્ષા મળી એ મારું સૌભાગ્ય છે!

પ્રાસંગિક ઉદબોધનમાં પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ હરિપ્રસાદ સ્વામીજીની ગુરૂભક્તિના વિશિષ્ટ પ્રસંગો વર્ણવીને સુહૃદભાવ અને દાસત્વ સહુના જીવનમાં સાકાર થાય તેવી પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, ગુરૂહરિ હરિપ્રસાદ સ્વામીજી પૂર્વાશ્રમમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની અંગત સેવામાં લગભગ એક દાયકા સુધી હતા ત્યારે ગોંડલ નિવાસ કરેલો. તેઓને દીક્ષા પણ આ જ અક્ષરઘાટ પર આપવામાં આવેલી.

કાર્યક્રમનું સંચાલન કરતાં પૂજ્ય ગુણગ્રાહક સ્વામીએ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ પરંપરામાં ગોંડલી નદીનું મહાભ્ય સમજાવ્યું હતું અને અક્ષરમંદિરનો ઇતિહાસ વર્ણવ્યો હતો.આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી, કોંગ્રેસ અગ્રણી અશોકભાઇ ડાંગર, યોગી ડિવાઇન સોસાયટીના સેક્રેટરી જયંતભાઈ દવે, ઓમદેવસિંહ, કિશોરભાઇ પાંભર, રાજકોટ આત્મીય સમાજના પ્રમુખ કિશોરભાઇ માવદીયા, ડો. સમીર વૈદ્ય, નિરંજનભાઈ ત્રાંબડીયા, આત્મીય યુનિ.ના ડો. જી. ડી. આચાર્ય, ડો. ડી.ડી.વ્યાસ વગેરે અગ્રણીઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હરિભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીનાં માર્ગદર્શન પ્રમાણે ધર્મેશ જીવાણી, પરાગભાઈ સહિતના સ્વયંસેવકો મોટી સંખ્યામાં સેવારત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.