પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ ન જાણે કોઇ
પ્રેમના વહેમમાં રહેલા યુવક-યુવતીઓ લગ્ન શકય નહીં બને, પરિવાર એક નહીં થવા દે જેવા ક્ષણિક આવેશમાં આવી જીવન ટૂંકાવી લેવાની ઘટના સમાજ માટે લાલબત્તી સમાન
પશ્ર્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ બનેલા તા.૧૪ ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઇન-ડે તરીકે ઉજવી પ્રેમનો પ્રસ્તાવ રજુ કરે છે. જો કે, વેલેન્ટાઇન-ડે પૂર્વે રોજ-ડે, ચોકલેટ ડે, હગ-ડે, ટેડી-ડે સહિત એક સપ્તાહ સુધી જુદી જુદી રીતે ઉજવણી કરતા યુવક-યુવતીઓને પ્રેમનો સાચો અર્થ સમજ્યા વિના જ એક બીજાની દેખા દેખીને અનુસરતા હોય છે ખેરખર પ્રેમના અઢી અક્ષર માટે કૃષ્ણ અને મીરાબાઇનું ઉદારણ પુરતુ છે. મીરાબાઇએ આખી જીંદગી કૃષ્ણને જોયા ન હતા તેમ છતાં પુરી જીંદગી કૃષ્ણમય બની રહ્યા હતા.
ત્રણ કલાકના ફિલ્મમાં બતાવવામાં આવતા પ્રેમનું આંધળું અનુકરણ કરતા આજના યુવક-યુવતીઓ પોતાને હીર-રાંજા, લૈલા-મજનુ અને રોમીયો જુલીયટ સમજી પોતાને જ ખરો પ્રેમ છે. અને એક બીજા વિના રહી નહી શકે તેમ કહી જીવન ટૂંકાવી લેવાનો અંતિમ માર્ગ પસંદ કરતા હોય છે. રાજકોટમાં છેલ્લા બે દિવસમાં પ્રેમ પ્રકરણના કારણે આત્મહત્યાના પ્રયાસ અને આપઘાતની જુદી જુદી ત્રણ ઘટના સામે આવી છે.શહેરના ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરની પરિણીત ભરવાડ યુવતી અને આહિર યુવાને પ્રેમમાં નિષ્ફળ જવાના કારણે પડધરીના ઇશ્ર્વરીયા નજીક સજોડે આપઘાત કર્યાનું, મોરબી રોડ પર આવેલા વેલનાથપરાના તરૂણીને ૧૯ વર્ષના યુવક સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. કાયદાકીય ઉમરનો બાધ નડતા પરિવારે લગ્ન માટે રાહ જોવાનું કહેતા બેડી પુલ પરથી સજોડે પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જ્યારે જંગલેશ્ર્વર નજીકની રાધાકૃષ્ણ સોસાયટીના યુવકે ફિનાઇલ પીધી હતી અને તેની પ્રેમીકાએ બ્લેડથી હાથમાં છરકા માર્યા હતા.