- પહેલા કરતા આજના યુગની સગર્ભા મહિલાઓ ઓછી કાળજી લે છે: શિશુની સંવેદનાનો વિકાસ શરૂ થાય પછી તે ગર્ભાશયમાં હેડકી અને બગાસા પણ ખાઇ શકે
- આજના યુગમાં પ્રથમ માસથી ગાયનેક ડોક્ટરની એડવાઇઝ મુજબ દિનચર્યા અને ખોરાક પ્રત્યે વિશેષ કાળજી લેવી: આ ગાળા દરમ્યાન જરૂરી આરામ અને વ્યાયામ કરવો જરૂરી છે
આજે ઘણા લોકો વાત કરે છે કે પહેલા તો ડિલીવરી નોર્મલ થતી આજે તો સિજેરિયનથી બાળકોનો જન્મ થાય છે. સાવ સામાન્ય સમજ જોઇએ તો પહેલાની જીવનશૈલી-ખોરાક વિગેરે જુદા હતા જે આજે જુદા છે. પહેલા તો મહિલાઓ બધુ કામ હાથે જ કરતાને વાહનો ન હોવાથી ચાલવાનું હતું તેથી પણ સગર્ભાવસ્થામાં બહુ જ ઓછી મુશ્કેલી પડતી હતી. આ બધાથી ઉલ્ટી લાઇફ સ્ટાઇલ, બેઠાડુ જીવન અને ખોરાકમાં ફેરફાર હોવાથી મુશ્કેલી પડી રહી છે
એક વાત નક્કી છે કે પહેલા કરતાં આજના યુગની સગર્ભા મહિલાઓ તકેદારી ઓછી લે છે. આ ગાળા દરમ્યાન ખોરાકની જેટલી કાળજી વધુ તેટલું બાળક તંદુરસ્ત. પહેલા ઘરે દાયણ કે સુયાણી ઘરે જ ડિલીવરી કરાવતા. આજના યુગ કરતાં ત્યારે બાળ મરણનું પ્રમાણ વિશેષ હતું. દર્દ રહીત પ્રસૃતિ માટે ડોક્ટરની સલાહ ખુબ જ મદદરૂપ થાય છે.
લગભગ 95 ટકા પ્રસૃતિ કોઇ ખાસ તકલીફ વગર નોર્મલ જ થાય છે, માત્ર 5 ટકા મહિલાઓને જુદીજુદી તકલીફ પડે છે. આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં બધા જ પ્રકારની સુવિધા ગાયનેક હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. આજના યુગમાં લગભગ 99 ટકા લોકો પ્રથમ માસથી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબના માર્ગદર્શન તળે જ આ નવા માસનો ગાળો-ટ્રીટમેન્ટ પૂર્ણ કરે છે.
સરકારી હોસ્પિટલમાં પણ શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ હોય છે. કોર્પોરેશનના હેલ્થ સેન્ટરોમાં તો આનો આખો વિભાગ ‘મમતા કેન્દ્ર’ હોય છે. જેમાં તેનો સ્ટાફ સ્થળ વિઝીટ કરીને જરૂરી માર્ગદર્શન અને દવા પણ વિનામૂલ્યે આપે છે.
ડિલીવરી સમયે પડતી તકલીફમાં કસુવાવડ થવી, લોહીનું દબાણ વધી જવું. આંચકી ચાવવી, લોહી વધારે પડવું (ડિલીવરી પહેલા કે પછી) ફેફ્સામાં લોહીની કે દસીયાના પાણીમાં ગાંઠ અટકી જવાથી હૃદ્ય બંધ પડી જવું કે મરી જવું, બાળક આડુ કે ઉંધુ હોવું જેવી વિવિધ સમસ્યાઓ આવે છે જો કે આની ટકાવારી માત્ર પાંચ ટકા જ છે.
આવા સમયે નિષ્ણાંત ડોક્ટરની સારવાર જરૂરી છે કારણ કે જીવનું જોખમ રહે છે. પ્રસૃતિ થયા બાદ 15 થી 30 દિવસમાં કોર્પોરેશનમાંથી બાળકના જન્મનું પ્રમાણપત્ર હોસ્પિટલનું કાર્ડ બતાવી મેળવી લેવું જરૂરી છે. વિશેષ સાવચેતીમાં આ ગાળા દરમ્યાન પેટનો ફૂલાવો અટકાવવા નિયમિત કસરત કરવી જરૂરી છે. સ્તનમાં દુ:ખાવો, તાવ કે દુધનો ભરાવો થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવો.
આ માહિતી સાથે મેનોપોઝ વિશે દરેક મહિલાએ જાણવું જરૂરી છે. મેનોપોઝ 40 વર્ષ પછીની સ્ત્રીની અવસ્થા છે. માસિકની અનિયમિતતા, શરીરમાં એકાએક ગરમી લાગવી, પરસેવો થવો, છાતીમાં ધબકારા થવા, બાથરૂમ વારંવાર જવું કે પેશાબ પર કાબૂ ઓછો થવો, સફેદ પાણી પડવું કે યોનીમાં ખુજલી-બળતરા થવી, જાતિય સંબંધ વખતે દુ:ખાવો થવો, માથુ શરીરને સાંધાનો દુ:ખાવો, ડિપ્રેશન, નર્વસનેશ, ટેન્સન, ક્રોધ, ગુસ્સો આવવો, રાત્રે ઉંઘ ઓછી આવવી, યાદશક્તિ ઓછી થવી જેવી તકલીફો જોવા મળે છે. આ માટે આજના યુગમાં મેનોપોઝ ક્લીનીકની શ્રેષ્ઠ સુવિધા હોય છે તો તેનો સંપર્ક કરવો.
પ્રસૃતિના ત્રણ માસ વિવિધ લોહીની તપાસ, સોનોગ્રાફી અને ખોડખાંપણનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. બહુ તકલીફ ન હોય તો પછી દર માસે ગાયનેકને બતાવવું હિતાવહ છે. સાત મહિના બાદ દર 15 દિવસે ચેક-અપ ખૂબ જ જરૂરી બને છે. છેલ્લા મહિને તો દર વિકે બતાવવું પડે છે. ખાસ આ ગાળા દરમ્યાન સગર્ભા મહિલાએ પોતે ખોરાક સાથે ઘણી બધી સાવચેતી સાથે દિનચર્યા પાળવી પડે છે જે તેના બાળક માટે ઉપયોગી છે. આજે તો ગર્ભાધાન સંસ્કાર પણ અપાય છે તો આવી મહિલાઓ માટે યોગા, ધ્યાન જેવી અલગ બેંચ પણ શરૂ થાય છે.
ગર્ભાવસ્થા દરમ્યાન રોજ થોડું ચાલવું, હળવી કસરત કરવી, શરીર સશક્ત રાખવું. ખોરાકમાં લીલા શાકભાજી, દૂધ, ફ્રૂટ, શીંગ-દાળીયા, ગોળ, ખજૂર, અંજીર, બીટ અને કઠોળ વધારે લેવા. કાચું મીઠું ઉપયોગમાં ન લેવું, આ ગાળા દરમ્યાન માથાનો દુ:ખાવો, લોહીનો સ્ત્રાવ, સોજા આવવા, પાણી પડવું, બાળકનું ફરકવું ઓછુ થવું, આંખે અંધારા આવવા, પેશાબ ઓછો થવો, શ્ર્વાસ ચઢવો, ખેંચ આવવી જેવા સંજોગોમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવો. આ ગાળા દરમ્યાન હિમોગ્લોબીન, ગુપ્તરોગ, કમળો, એચ.આઇ.વી, યુરીન, બ્લડ સુગર જેવી વિવિધ તપાસ પણ કરાવવી પડે છે.
આજની દરેક મહિલાની સતત મેડીકલ દેખરેખ સાથેની નોંધ અને બાળકના વિકાસની નોંધ તેની ફાઇલમાં જોવા મળે છે. ગર્ભવતી મહિલા પોતાનું રોજીંદુ કાર્ય કરી શકે છે પણ ભારે વજન ઉંચકવાનું કે ભારે કસરત કરવાનું હિતાવહ નથી. સામાન્ય રીતે 8 કલાકનો આરામ સાથે બપોરે બે કલાકનો આરામ જરૂરી છે. આ ગાળા દરમ્યાન કસરતના વિવિધ ફાયદામાં માનસિક સંતોષ, મન આનંદિત રહે, પ્રસૃતિ માટે શરીરને તૈયાર કરે, દુ:ખાવામાં રાહત આપે છે. આ ગાળા દરમ્યાન વ્યસનમુક્ત રહેવું ખાસ જરૂરી છે.
સામાન્ય રીતે બધી જ દવાઓ માતાના લોહીમાં ભળતી હોવાથી પ્રારંભના બે થી ત્રણ મહિના સુધી ડોક્ટરી સલાહ વગર કોઇપણ દવા લેવી નહીં. આ ગાળા દરમ્યાન માતા અને પેટમાં રહેલ બાળક માટે હાનીકારક હોય છે. સૌથી અગત્યની રસી ધનુરવા વિરોધી રસી છે જેના બે ડોઝ એકથી દોઢ માસના અંતરે મૂકવામાં આવે છે.
દરેક અઠવાડીએ શિશુ વિકાસ પામે છે !!
દરેક મહિલાના જીવનમાં આ સમય રોમાંચ સાથે આનંદનો ઉત્સવ છે. તેમનામાં આકાર લઇ રહેલા એક નવા જીવનની લાગણી અવર્ણનીય છે. પ્રથમ ત્રણ માસના ગાળામાં નાની મોટી તકલીફમાં નબળાઇ, ચક્કર આવવા, છાતીમાં બળતરા કે કબજીયાત રહે છે પણ બાદમાં બધુ જ નોર્મલ થઇ જાય છે. ગર્ભસ્થ શીશુ ધીમેધીમે વિકાસ પામતું જાય છે, તેના કાન, સ્વરતંતુ, વાળ, નખ, આંખો, સ્નાયુઓ વિગેરે બનવાનું શરૂ થઇ જાય છે.
કાનના વિકાસ બાદ હળવું સંગીત સાંભળવું જરૂરી છે. આ ગાળા દરમ્યાન પ્રેરણાત્મક વાંચન કરવું. પ્રથમ માસથી ખોરાકની કાળજી જરૂરી છે. પોષ્ટિક આહાર, દૂધ, ભાત, નાળિયેરનું પાણી, ભાતનું ઓસામણ, ખીર અને ઘી લેવા ખૂબ જ ફાયદાકારક છે. શિશુના હલન ચલનથી સેન્સેશનનો અનુભવ સાથે શરીરમાં મુખ્યત્વે અંત:સ્ત્રાવોમાં ફેરફાર થવાથી મૂડમાં પરિવર્તન કે લાગણીના ઉભરા આવે છે. શિશુની સંવેદનાઓના વિકાસ બાદ તે બગાસા કે હેડકી પણ ખાય છે.