વિશ્ર્વભરમાં ફેલાયેલા 100 કરોડ હિંદુઓમાંથી બધા જ શાકાહારી ન પણ હોઈ શકે, પરંતુ દરેકના સામિષ આહાર ન ખાવો જોઈએ તેવી ભાવના તો રહેવાની જ. એ દરેકે દરેક હિંદુના ગળથૂથીના સંસ્કાર છે, પણ દેશ, કાળ, સંજોગો, મિત્રવર્તુળ, નજીકનો સામાજિક સંબંધ, આહારની અજ્ઞાનતા, કુટુંબની રૂઢિ કે રૂઢિગત પરંપરા અને સૌથી વિશેષ સ્વાદ લોલુપતા, આ બધાં માણસને માંસાહાર ખાવા લલચાવતાં કારણો છે. દુનિયામાં સૌથી પ્રાચીનતમ ધર્મ હિંદુ ધર્મ ગણાય છે, જેમાં ચાર પાયાના સિદ્ધાંતો માંસાહાર નિષેધ કરી, શાકાહારને પ્રાધાન્ય આપે છે:
કર્મનો સિદ્ધાંત, અહિંસા અને દયા, પ્રાણ અને આહારશુદ્ધિ જે અધ્યાત્મમાર્ગે મોક્ષપ્રાપ્તિ કરાવે. સરળ ભાષામાં કહીએ તો કર્મનો સિદ્ધાંત એટલે આપણે કરેલા દરેક કર્મનું ફળ આપણે ભોગવીએ છીએ” તે સદ્કર્મ સારું અને દુષ્કર્મ ખરાબ ફળ આપે, એ સર્વ સ્વીકાર્ય વાત છે. હિંદુ માત્ર માને છે કે પાપ અથવા દુષ્કર્મ એટલે જીવતા જીવને દુ:ખવવો કે મારી નાખવો અને પાપની સજા (ફળ) આપણને આ કે આવતા જન્મમાં દુ:ખ, દર્દ, રોગ, પીડા તરીકે ભોગવવી જ પડશે. તેથી કર્મનો સિદ્ધાંત સ્વાભાવિકપણે પુનર્જન્મ સાથે જોડાયેલો જ છે. જ્યારે સનાતન હિંદુ ધર્મની મૂળ લક્ષ્યપ્રાપ્તિ, અંતિમ ધ્યેય તો ફક્ત એક અને એક જ છે.
જન્મ-મરણના ફેરાથી છૂટી, મોક્ષ પામવો. માણસ જ્યારે માંસાહારી બને છે ત્યારે તે સંચિત પાપકર્મમાં વૃદ્ધિ કરે છે, જે આખરે તેને જીવનના અંતિમ ધ્યેય-મોક્ષની વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. મહાભારતના અનુશાસન પર્વમાં વેદ વ્યાસજીએ માંસાહારનાં પાપનાં કરનારાનાં કર્મની સ્પષ્ટ સજા ફરમાવેલી છે: “જે પોતાની ચરબી વધારવા બીજાની ચરબી ખાય છે તે ઘોર નર્કનો અધિકારી બને છે.”