રાજસ્થાન તરફથી ગુજરાત પરથી વેસ્ટર્ન ડિસ્ટબન્સ પસાર થતું હોય
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રેકોર્ડબ્રેક વરસાદનાં કારણે રાજયભરમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. બીજી તરફ કયાર અને મહા વાવાઝોડાએ ખેડુતોને પડયા પર પાટુ માર્યું હોય તેમ ખેતરોમાં ઉભા પાકનો સત્યનાશ વાળી દીધો છે. કારતક માસ અડધો વિતી ગયો હોવા છતાં હજી રાજયમાં વરસાદ બંધ થવાનું નામ લેતો ન હોય તેવું લાગી રહ્યું છે. દરમિયાન વેસ્ટન ડિસ્ટબન્સની અસરનાં કારણે આગામી ૧૩ અને ૧૪ નવેમ્બરનાં રોજ રાજયમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભરૂચનાં વાગરા અને અમદાવાદનાં ધોળકામાં વરસાદ પડયો હતો. ગઈકાલે સાંજથી રાજયમાં વાતાવરણમાં થોડો પલ્ટો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર રાજસ્થાન તરફથી હાલ ગુજરાતમાંથી વેસ્ટર્ન ડિસ્ટબન્સ પસાર થવાનું છે જેની અસરનાં કારણે આગામી ૧૩ અને ૧૪ નવેમ્બર દરમિયાન રાજયભરમાં કમોસમી વરસાદની સંભાવના જણાઈ રહી છે. ૧૩મીનાં રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, કચ્છ, મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લામાં જયારે ૧૪મીનાં રોજ બનાસકાંઠા, પોરબંદર, કચ્છ અને દિવ-દમણ વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસાની સીઝનમાં રેકોર્ડબ્રેક વરસાદનાં કારણે ખેડુતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડયો છે. બીજી તરફ દિવાળી બાદ ઉપરાઉપર કયાર અને મહા નામના બે વાવાઝોડાએ તબાહી મચાવી છે ત્યારે ખેડુતોને હજી રાહત મળે તેવા એંધાણ દેખાતા નથી. વધુ એકવાર આગામી ૧૩ અને ૧૪ નવેમ્બરનાં રોજ સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. અમરેલી પંથકમાં અમુક સ્થળે ધોધમાર વરસાદ પણ વરસી શકે છે. વાવાઝોડું પસાર થઈ ગયા બાદ હવે વેસ્ટર્ન ડિસ્ટબન્સે તબાહી મચાવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસથી વાતાવરણમાં થોડો પલ્ટો જોવા મળી રહ્યો છે.