ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલીમાં હળવા વરસાદની શકયતા
રાજયમાં ફરી એક વખત વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજયનાં અનેક વિસ્તારોમાં ૨૩મી ડિસેમ્બરે સામાન્ય વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની આગાહીનાં પગલે ખેડુતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ઉત્તર-ગુજરાત, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલીમાં સામાન્ય વરસાદ પડે તેવી શકયતા છે જોકે રાજયમાં ઠંડીનાં પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. હાલ રાજયમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જોકે ગઈકાલથી જ પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટયું હતું અને હજુ ૨૨મી ડિસેમ્બર સુધી ઠંડીમાં આંશિક રાહત મળે તેવું લાગી રહ્યું છે. રાજયભરમાં સૌથી ઓછું તાપમાન નલીયાનું ૯.૮ ડિગ્રી નોંધાયું છે જયારે રાજકોટનું ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજયમાં થોડા દિવસ પહેલા થયેલા કમોસમી વરસાદનાં કારણે ખેડુતોને ભારે નુકસાન વેઠવુ પડયું હતું ત્યારે હવે બચેલા શિયાળુ પાકને લઈ રાજયનાં ખેડુતોમાં ચિંતા વધે તેવા માવઠાના સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદનાં કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે જેના કારણે મોંઘવારીમાં પણ વધારો થયો છે. લોકોનું સામાન્ય બજેટ ખોરવાઈ ગયું છે.
આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૨૯.૬ ડિગ્રી નોંધાયું હતું.
હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની ગતિ ૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી જયારે નલીયાની વાત કરીએ તો નલીયાનું લઘુતમ તાપમાન ૯.૮ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૮.૪ ડિગ્રી જેટલું નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને ૭ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો.
આ ઉપરાંત અમરેલીમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે. અમરેલીનું લઘુતમ તાપમાન ૧૧.૭ ડિગ્રી નોંધાયું હતું.
રાજયભરનાં વિવિધ શહેરોનાં લઘુતમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી, ડિસાનું ૧૪ ડિગ્રી, બરોડાનું ૧૬.૭ ડિગ્રી, સુરતનું ૧૮.૬ ડિગ્રી, રાજકોટનું ૧૩ ડિગ્રી, ભાવનગરનું ૧૬.૫ ડિગ્રી, પોરબંદરનું ૧૪ ડિગ્રી, વેરાવળનું ૧૯ ડિગ્રી, દ્વારકાનું ૧૭ ડિગ્રી, ઓખાનું ૧૫.૯ ડિગ્રી, ભુજનું ૧૪.૩ ડિગ્રી, નલીયાનું ૯.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૪.૨ ડિગ્રી, ન્યુ કંડલાનું ૧૨.૪ ડિગ્રી, કંડલાનું ૧૨.૬ ડિગ્રી, અમરેલીનું ૧૧.૭ ડિગ્રી, ગાંધીનગરનું ૧૭ ડિગ્રી, મહુવાનું ૧૬.૧ ડિગ્રી, દિવનું ૧૬, વલસાડનું ૧૭.૧ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરનું ૧૬.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ પવનની દિશા બદલાતા ૨૨મી ડિસેમ્બર સુધી ઠંડીમાં આંશિક રાહત મળશે જોકે ૨૩મીથી રાજયનાં ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે જેને લઈને જગનો તાત ચિંતિત બન્યો છે.