ફેસબુકએ સોસીયલ નેટવર્કિંગ સાઈટ છે, પરંતુ હવે સોસીયલી સિક્યોર સાઈટ રહી નથી. ફેસબુકના ફાયદાની સાથે ગેરફાયદા પણ વધી રહ્યા છે ત્યારે તેના પર એક્ટીવની સાથે સિક્યોર પણ રહેવું તેટલું જ અગત્યનું છે. લોકોમાં વર્ચ્યુઅલ લાઈફનો અતિરેક વધતાની સાથે જ તેમની ફેમેલી લાઈફ અને સોશિયલ લાઈફમાં પણ વિપરીત અસરો આવી રહી છે, ત્યારે સિક્યોરીટી માટેની અમુક બાબતો પર ધ્યાન રાખવું ખુબ જ અગત્યનું થઇ ગયું છે, તો ચાલો નજર કરીએ એવી થોડી મહત્વની બાબતો ઉપર….
હમેશા યોગ્ય પાસવર્ડની પસંદગી કરો :
પાસવર્ડની પસંદગીએ સૌથી મહત્વની વાત છે, તેને ક્યારે પણ નબળો ના રાખવો. પાસવર્ડ તરીકે ક્યારેય તમારું નામ, મોબાઈલ નંબર, કે જન્મ તારીખ વગેરેનો ઉપયોગ ન કરવો. ડિક્ષનેરીમાં સહેલાઈથી મળી શકે તેમજ જલ્દીથી યાદ રાખી શકાય તેવા શબ્દોનો પણ પાસવર્ડ તરીકે ઉપયોગ ન કરવો હીતાવહ છે. પાસવર્ડ બને ત્યાં સુધી આઠ અક્ષરોનો રાખવો. પાસવર્ડને શક્ય હોય ત્યાં સુધી નંબર, સિમ્બોલ અને અક્ષરોનું મિશ્રણ આપો.
તમારા ફેમેલી મેમ્બર્સના નામને પ્રદર્શિત ના કરો :
પ્રોફાઇલની માહિતીમાં ફેમેલી મેમ્બર્સ અને ખાસ કરીને તમારા બાળકોના નામને પ્રદર્શિત ના કરો. કારણકે અજાણ્યા શખ્શ માટે તમારા ફેમેલી મેમ્બર્સ અને બાળકોના નામ, ઓળખ અને અન્ય વિગતો તમને જ તકલીફમાં મુકવાનું કારણ બની શકે છે.
તમારી સંપૂર્ણ જન્મ તારીખ ના આપો :
તમને કદાચ ખ્યાલ નહિ હોય કે હેકર્સ જયારે ક્રેડીટ કાર્ડ કે ડેબિટ કાર્ડની માહિતી ચોરે છે અથવા તેને એક્સેસ કરે છે ત્યારે સૌથી વધુ ઉપયોગી પરિબળ જન્મ તારીખ હોય છે, તેથી સંપૂર્ણ જન્મ તારીખ આપવાનું ટાળવું તેના સ્થાને ફક્ત તારીખ અને મહિનો જ આપવો વધુ યોગ્ય રહેશે.
ક્યારેય પણ તમારી અંગત બાબતો જાહેર ના કરો :
ઘણા લોકો પળેપળની માહિતી ફેસબુક પર અપડેટ કરતા હોય છે, સાથે અંગત બાબતો પણ સહજતાથી જ મુકતા હોય છે. ઘણા વેકેશન માણવા ગયા હોય કે બહારગામ ગયા હોય તો તેવી માહિતી પણ ફેસબુક પર મુકે જે જોખમ ભરી કહેવાય. આવી માહિતી તમારા ઘરે ચોરને ચોરી કરવા માટેનું આમંત્રણ આપી શકે છે. કારણકે ફેસબુકની માહિતી તમારા મિત્રો સિવાય બીજા પણ ઘણીવાર જોઈ શકતા હોય છે.
અંગત માહિતીના એક્સેસ રાઈટની ગોઠવણી :
બની શકે તો ફોટોગ્રાફ્સ, ધર્મ સંબંધી દ્રષ્ટિકોણ, ફેમેલી ડીટેઈલ્સ, જન્મ તારીખ જેવી અંગત માહિતી માર્યાદિત લોકો સુધી જ શેર કરો અને તે મુજબના સેટિંગ્સ ગોઠવી દો. જયારે તમારા મોબાઈલ નંબર, એડ્રેસ, અંગત બાબતો બને ત્યાં સુધી કોઈ પણ એક્સેસ ન કરી શકે તે મુજબનું સેટિંગ હિતાવહ રહેશે.
તમારી ફેસબુક પ્રોફાઈલ અજાણી વ્યક્તિ અને સર્ચ એન્જીન પર ના મળે તેનું સેટિંગ કરો :
આ માટે ફેસબુક પ્રોફાઈલ પેઈજના પ્રાઇવેસી સેટિંગ્સમાં જઈને ફ્રેન્ડ્સ અને ફેસબુકનું ઓપ્શન સિલેક્ટ કરો. તેમાં ‘પબ્લિક સર્ચ રીઝલ્ટ’ ઓપ્શનના ચેક્માંર્કને દુર કરો, આથી અન્ય સર્ચ એન્જીન પરથી પણ તમારી પ્રોફાઈલ ઉપલબ્ધ બનશે નહિ.
ખોટી અને અયોગ્ય બાબતો મુકતા પહેલા સો વખત વિચાર કરજો :
અફવાઓ, અયોગ્ય અને કોઈ પણ બાબતને મોટી કરીને મુકાવી, લોકોને ખોટે અને ગેરમાર્ગે દોરવા વગેરે….આવું કરતા પહેલા વિચારી લેજો કારણ કે હવે કોઈ પણ કંપની વાળા તમારું ઇન્ટરવ્યું લેતા પહેલા તમારી પ્રોફાઇલ ચેક કરી તમારા વિચારો અને જ્ઞાનને તપાસી શકે છે. વળી, લગ્નના મુરતિયાઓની જનમકુંડળીની સાથે કર્મકુંડળી આવી સોશિયલ સાઈટો પર તપાસી લેવામાં આવે એવું પણ બની શકે. એટલે હમેશા ધ્યાન રાખવું…
તમારા બાળકો અને ટીનેજર્સને ફેસબુકના વધુ પડતા ઉપયોગથી દુર રાખો :
જો તમારું બાળક ફેસબુકનો ઉપયોગ કરે છે તો તમે તેના મિત્ર બની જાઓ અને તેણી દરેક બાબતો પર ધ્યાન રાખો. તેના કોન્ટેક્ટ ડીટેઇલમાં તમારું ઈ મેઈલ એડ્રેસ આપો કે જેઠી તેના નોટીફીકેશન અને અપડેટ્સ તમને ઈ મેઈલ દ્વારા મળતા રહે. ઘણી વખત બાળકો માતાપિતા ક્યારે ઘરે આવશે અને ક્યારે જશે તેવા મેસેજ પણ ફ્રેન્ડ્સ સાથે શેર કરતા હોય છે કે જે તમારા માટે નુકશાનકારક બની શકે.