સાઈબર ક્રિમીનલ્સ દ્વારા નકલી વેબસાઈટ-બ્લોગસ બનાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે
આજે ઈન્ટરનેટના યુગમાં એમાં પણ ખાસ કરીને નોટબંધી બાદ કેશલેસ ટ્રાન્જેકશન એટલે કે ઓનલાઈન નાણાકીય વ્યવહારોનું પ્રમાણ વધ્યું છે. સાથો સાથ ઓનલાઈન ફાઈનાન્સીયલ ફ્રોડના કિસ્સાઓમાં પણ ઉછાળો આવ્યો છે. સાઈબર ક્રિમીનલ્સ જુદી જુદી દ્વારા લોકોને પોતાના ફ્રોડનો શીકાર બનાવે છે અને સાચી માહિતી અને જાગૃતિના અભાવે લોકો સરળતાથી આવા ફ્રોડનો શિકાર બને છે.
આજ કાલ એક નવા પ્રકારના સાઈબર ફ્રોડના બનાવો સામે આવ્યા છે. જેમાં સાઈબર ક્રિમીનલ્સ કોઈપણ બેંક, કંપની અથવા સંસ્થાના નકલી કસ્ટમર કેર એક્ઝિકયુટીવ બનીને લોકો પાસેથી તેમની બેંક એકાઉન્ટ માહિતી મેળવી તેમના ખાતામાંથી નાણાની ઉચાપત કરે છે. આવો જ એક કિસ્સો કર્ણાટકના મેંગલોર શહેરમાં નોંધાયો હતો. જેમાં એક યુવાને પોતાના ઈ-વોલેટ દ્વારા ૩૦,૦૦૦/- રૂપિયા પોતાના સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જો કે તેના ખાતામાંથી પૈસા કપાવા છતાં તેના સબંધીના ખાતામાં જમા થયેલ ન હતા અને પૈસા તેને રિફંડ પણ થયા ન હતા. આ કારણે યુવાને કસ્ટમર કેરની મદદ લેવા માટે ઈન્ટરનેટ પર ઈ-વોલેટ કંપનીના કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો અને આ સર્ચ દ્વારા મેળવેલ કસ્ટમર કેર નંબર પર તેણે પોતાની ફરિયાદ દાખલ કરી આ વાસ્તવમાં એક નકલી અને ફ્રોડ નંબર હતો. જેમાં સાઈબર ક્રિમીનલ્સ તેને રિફંડ આપવાના બહાને તેની બેંક એકાઉન્ટ ડીટેઈલ્સ અને ઓટીપી મેળવી લે છે અને આ દ્વારા તેના એકાઉન્ટમાંથી ૨.૭ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ફ્રોડ કરે છે.
હાલના સમયમાં લોકો કોઈ પણ માહિતી મેળવવા માટે તેને ઓનલાઈન સર્ચ કરે છે, ઈન્ટરનેટના માધ્યમથી સર્ચ એન્જીન દ્વારા કોઈપણ માહિતી સરળતાથી મેળવી શકાય છે. સાઈબર ક્રિમીનલ્સ બેંક ઈ-કોમર્સ કંપની વિગેરેની નકલી વેબસાઈટ અને બ્લોગ્સ બનાવી તેના દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. આવી ફેક વેબસાઈટ-બ્લોગ્સમાં સાઈબર ક્રિમીનલ્સ પોતાના નંબર કસ્ટમર કેર એક્ઝિકયુટીવ તરીકે દર્શાવે છે.
સાઈબર ક્રિમીનલ્સ દ્વારા આ પ્રકારના ફ્રોડ માટે ગુગલ મેપ્સની સેવામાં રહેલ ‘સજેસ્ટ એન એડીટ’ ફીચરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ગુગલ પોતાના યુઝર્સને ‘યુઝર્સ જનરેટેડ ક્ધટેન્ટ’ પોલીસીના ભાગરૂપે ગુગલ મેપ્સમાં રહેલા માહિતીમાં ફેરફાર કરવાની સુવિધા પુરી પાડે છે. આ ફીચરનો દુરઉપયોગ કરીને સાઈબર ક્રિમીનલ્સ બેંક-કંપનીનો સાચો કસ્ટમર કેર નંબર બદલાવી તેના સ્થાને પોતાના નંબર એડ કરી દે છે. જેથી જયારે લોકો ગુગલ મેપ્સમાં બેંકના કસ્ટમર કેર નંબર સર્ચ કરે છે ત્યારે તેમને સાઈબર ક્રિમીનલ્સ દ્વારા એડીટ કરવામાં આવેલ ફ્રોડ નંબર દર્શાવવામાં આવે છે. આવા ફ્રોડથી બચવા માટે જાગૃતતા અને સાવચેતી મુખ્ય ઉપાડ છે.
સૌથી મહત્વની વાત કે કયારેય તમારી ક્રેડીટ-ડેબીટ કાર્ડની ડીટેઈલ (એટલે કે કાર્ડ નંબર, સીવીવી વિગેરે) અને ઓટીપી અથવા પીન કોઈપણ સંજોગોમાં અન્ય વ્યક્તિ અને શેર કરવા ન જોઈએ. કોઈપણ જેન્યુઈન બેંક કે કંપનીના રિપ્રેઝન્ટેટીવ કયારેય તમારી અંગત માહિતી ફોન પર માંગતા નથી. ઈન્ટરનેટ પર પ્રાપ્ત થતી તમામ માહિતી સંપૂર્ણપણે સાચી હોય તેવું જરૂરી નથી. કોઈપણ માહિતીને ધ્યાનમાં લેતા પહેલા તે માહિતીનો સ્ત્રોત જરૂર ચકાસવો જોઈએ.
કસ્ટમર કેર સર્વિસ, રિફન્ડ વગેરે જેવી સેવાઓ મેળવવા માટે બેંક-કંપનીની ઓફીસીયલ વેબસાઈટનો જ ઉપયોગ કરવો જોઈએ (સામાન્ય રીતે બેંકની ઓફીસીયલ વેબસાઈટ એટીએમ કાર્ડ-પાસબુક પર દર્શાવેલ હોય છે) કોઈપણ વેબસાઈટ પર તમારી બેંક એકાઉન્ટ ડીટેઈલ કયારેય પણ જાહેર ન કરવી જોઈએ. પેટીએમ, એમેઝોન, ફલીપકાર્ટ વગેરે જેવી એપ્લીકેશન હેલ્પ કોન્ટેકઅસ ફીચર દ્વારા કસ્ટમર કેર અને રીફંડ જેવી સેવાઓ પુરી પાડે છે. જેમાં લોકો એપ્લીકેશન દ્વારા જ રીફંડ મેળવવા માટેની પ્રોસેસ કરી શકે છે.