વહિવટી તંત્ર, આરોગ્ય તંત્રની કાર્યક્ષમતાની ચકાસણીમાં સર્વત્ર સંતોષ
ચીનમાં ફરીથી કોરોનાએ ઉછળો મારતા વિશ્ર્વ આખું ચિંતિત બન્યું છે ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં કોરોનાની સંભવિત લહેરમાં સાવચેતીએ જ સલામતીને લઇ સૌરાષ્ટ્રભરમાં હોસ્પિટલો અને આપાતકાલીન વ્યવસ્થાની કામગીરીની ચકાસણી માટે મોકડ્રીલ અને ઉચ્ચ અધિકારીઓના ડેપ્યુટેશન ઇન્સ્પેક્શનના ધમધમાટ વચ્ચે લગભગ મોટાભાગે વ્યવસ્થા સંતોષજનક હોવાનું અહેવાલો મળી રહ્યાં છે.
ગોંડલના પ્રતિનિધિ જીતેન્દ્રભાઇ આચાર્યના અહેવાલ મુજબ કોરોનાની સંભવિત લહેરનો સામનો કરવાની જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની સજ્જતા અંગે સમગ્ર દેશની હોસ્પિટલ્સમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે ગોંડલ તાલુકામાં જીલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની સૂચના મુજબ પ્રાંત અધિકારી કે.વી. બાટી, મામલતદાર સહીત અધિકારીઓ દ્વારા શહેર ની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ કોરોના સંબંધિત તમામ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
મુલાકાત દરમ્યાન હોસ્પિટલની સુવિધાઓ અંગે માહિતી આપતા આરોગ્ય અધિકારી એ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ખાતે 54 કોવીડ-19 સ્પેશીયલ વીથ ઓકસીજન બેડ ઉપલબ્ધ છે. 17 ઓકસીજન કોન્સન્ટ્રેટર્સ, જમ્બો સીલીન્ડર (ડી ટાઈપ) 20 નંગ, નાના સીલીન્ડર (બી ટાઈપ) 37 નંગ, 500 લીટર પ્રતિ મિનિટની ક્ષમતા સાથેનો પી.એસ.એ. ઓકસીજન પ્લાન્ટ વગેરે કાર્યરત છે આ ઉપરાંત 10 વેન્ટીલેટર સહીત દવા, સેનેટાઇઝર સહિતનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે હોસ્પિટલ ખાતે રોજના 500 ટેસ્ટની કેપેસીટીની આર.ટી.પી.સી.આર.લેબ અને વેકસીનેશન સેન્ટર કાર્યરત છે.
ગોંડલ તાલુકામાં આવેલ પી.એચ.સી. તથા સી.એચ.સી. ખાતે પણ 69 ઓકસીજન કોન્સન્ટ્રેટર્સ અને 114 સીલીન્ડર ઉપલબ્ધ છે, ગોંડલ તાલુકામાં હાલ કોવીડ-19નો એકપણ કેસ નથી તેવુ જણાવ્યુ હતું.