નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મડિીયા હાઉસના સૌજન્યથી વિવિધ સ્થળોએ આયોજીત કેમ્પમાં લાખો લોકોને સ્વાઈન ફલુની મહામારી સામે રક્ષણ આપતા ડોઝ વિનામૂલ્યે અપાયા: સેવાકિય પ્રવૃતિને ઠેર-ઠેર બિરદાવાય

છેલ્લા ઘણા દિવસોથી રાજયમાં સ્વાઈન ફલુનો કાળો કહેર યથાવત છે. સ્વાઈન ફલુને કાબુમાં લેવા સરકાર ઉપરાંત સ્વૈચ્છીક સંસ્થાઓ સતત પ્રયાસો કરી રહી છે. ત્યારે લોકોને સ્વાઈન ફલુની મહામારીથી એક વર્ષ સુધી રક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ) તથા અબતક મીડિયા હાઉસના સૌજન્યથી શહેરના વિવિધ વિસ્તારો તેમજ વેરાવળ (શાપર), મેટોડા અને ગોંડલ સહિતના સ્થળોએ કેમ્પના માધ્યમથી વિનામૂલ્યે ડોઝ આપવામાં આવે છે. જેના અંતર્ગત શનિવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની અલગ-અલગ કચેરીઓમાં કેમ્પ યોજાયા હતા. ગઈકાલે પુજીત ‚પાણી મેમોરીઅલ ટ્રસ્ટ, મેટોડા જીઆઈડીસી જી ૫૦૧ અને નરેન્દ્રકુંવરબા સ્કૂલ ખાતે ભાજપના સહયોગથી લોકોને વિનામૂલ્યે સ્વાઈન ફલુથી રક્ષણ આપતા ડોઝ અપાયા હતા.

આજરોજ વેરાવળ-શાપરમાં કાસુમા બેરીંગ, ગોંડલમાં ખાદી ગ્રામ ઉધોગ તેમજ રાજકોટમાં વિનોદનગર ખાતે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને પાલવ સ્કૂલમાં લોકોને ડોઝ આપવામાં આવી રહ્યા છે. રાજકોટના મીલપરા ખાતે આવેલ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે શનિવારે સાંજે નેમિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ) અને અબતક મીડિયાના સહયોગથી સ્વાઈન ફલુ અંગેનો કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્વાઈન ફલુને ડામવાનો ડોઝ લીધો હતો. કેમ્પનો લાભ લેનાર લોકોમાં સ્વાઈન ફલુથી બચવા અંગે જાગૃતિ આવી છે. ૧૬૦૦થી પણ વધુ સંખ્યામાં લાભ લીધો હતો. વધુમાં વધુ લોકો સુધી સ્વાઈન ફલુ અંગે જાગૃતિ ફેલાય એવી અપીલ અબતક મીડિયા દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદના ડો.હર્ષદ લશ્કરીએ જણાવ્યું હતું કે, દેશભરમાં સ્વાઈનફલુનો હાહાકાર મચ્યો છે. અનેક લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે સ્વાઈનફલુથી ડરવાની જ‚ર નથી તેની સામે સાવચેતી અને કાળજી રાખવાની જ‚ર છે. ડો.ચોલા લશ્કરીએ તેમના ૭ વર્ષના અનુભવથી આ દવાની શોધ કરી છે. જેની કિંમત વધુ છે પરંતુ સંસ્થાઓના સહયોગથી આ ડોઝ નિ:શુલ્ક આપવામાં આવે છે. આ ડોઝ લેવાથી ૧ વર્ષ સુધી સ્વાઈન ફલુ સામે રક્ષણ મેળવી શકાય છે. અબતક મીડિયા, નેમિનાથ ટ્રસ્ટ અને કાસુમા બેરીંગ દ્વારા યોજાયેલ કેમ્પનો વધુ લોકો લાભ લે તેવી અપીલ પણ કરી હતી અને આ કાર્યને બિરદાવ્યું હતું.

જયારે કાજલ સોનીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને લોકોએ જાગૃત થવાની જ‚ર છે. સ્વાઈન ફલુથી રક્ષણ મેળવવા લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને સામાન્ય લક્ષણો દેખાતા તકેદારી રાખવી જોઈએ. આ ઉપરાંત મહાવીરનગર સોસાયટી હોલ ખાતે સ્વાઈન ફલુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કમલેશભાઈ ટીંબડીયા, સુનિલભાઈ તેજાણી અને સતીષકુમાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથ મ્યુનિ.કમિશનર અને અભય ભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ૧૮ થી ૨૦ હજાર લોકોએ ભાગ લીધો હતો.

આ તકે કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આ સામાજીક કાર્ય છે અને લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્વાઈન ફલુ ખુબ જ ઘાતક છે અને જયારે નિ:શુલ્ક દવા મળી રહી છે. લોકોને તેનો લાભ લેવો જોઈએ.

ભોજલરામ હોલ, સંતકબીર રોડ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના વિસ્તારના લોકો આ દવાનો લાભ લેવા ઉમટી પડયા હતા અને ભોજલરામ હોલથી મેઈન રોડ સુધી લોકોની લાંબી લાઈન લાગી હતી. મેટોડા ખાતે ડેકોરાભવન ખાતે સ્વાઈન ફલુનો કેમ્પ યોજાયો હતો. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓ તથા તેમના પરીવારજનોએ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે હજારોની સંખ્યામાં ભાગ લેતા કર્મચારીઓ માટે ખુબ જ સારી વ્યવસ્થા ગોઠવી હતી. જેથી તેમને કોઈપણ જાતની તકલીફનો સામનો ન કરવો પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.