ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્ર્વમાં એક આંટો મારીને બીજુ ચક્કર શરૂ કર્યું હોય તેમ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઝડપથી નવા કેસનો ઉમેરો થઈ રહ્યો છે. રાજ્યભરમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થવાની પરિસ્થિતિમાં પુન: સામાજીક જાગૃતિ અને સચેતતાના પગલા અનિવાર્ય બન્યા છે. પ્રથમ રાઉન્ડથી આ વખતની પરિસ્થિતિ જરા અલગ અને રાહત આપવાની એટલા માટે છે કે, જ્યારે વુહાનના આ વાયરસે જગત ઉપર પ્રથમવાર આક્રમણ કર્યું ત્યારે કોરોનાની ઓળખ, જાણકારી, લાક્ષણીકતા કે તેની રસીની શોધ થઈ ન હતી. હવે ભારતની જ ત્રણ રસીઓએ કોરોના સામે સુરક્ષા કવચની બાંહેધરી લીધી છે ત્યારે કોરોનાથી અગાઉ જેવી બીક હવે રહી નથી પરંતુ નવા સ્ટ્રેઈનની નવી લાક્ષણીકતા અને જે ઝડપથી તેનો ફેલાવો થાય છે તે ચિંતાનું કારણ છે. વળી કોરોનાની આ બિમારી જગતમાં લાંબો સમય સુધી રહે તેવી શકયતા વચ્ચે બીજી તરફ કોરોના સાથે રહેવાની હવે આદત કેળવી લેવી પડશે. વેક્સિનેશનની સાથે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સાવચેતી કેળવીને કોરોના સાથે લાંબો સમય જીવવાની આદત પાડી લેવી પડશે.

સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનીટાઈઝરના ઉપયોગ માટે હવે અગાઉની જેમ લોકોને સાવચેત કરવાની આવશ્યકતા નથી. સામાજીક ધોરણે પણ કોરોનાની ઘાતક અસરોથી લોકો પરિચિત થયા છે ત્યારે નવા વાયરામાં કોરોનાની અસરો રોકવામાં અગાઉની જેમ શક્તિ નહીં વેડફવી પડે પરંતુ તેમ છતાં આ વાયરાને સામાન્ય ગણવાની ભુલ ભયંકર પરિણામો આપનારી બની રહેશે તેમાં બે મત નથી. વળી કેટલાંક સંજોગોમાં કોરોનાના નવા લક્ષણો  કે જે હજુ સુધી ઓળખાયા નથી તેના પરિમાણો પણ આ બિમારીને ઝડપથી ફેલાવવા માટે કારણભૂત બની રહ્યાં છે. એક વખત રસી મુકાવી દીધા બાદ કોરોનાનો ચેપ લાગે કે કેમ ?, રસીની અસર કેટલો સમય રહે, ક્વોરન્ટાઈન પીરીયડથી લઈ કોરોનાની દવાના ડોઝ જેવી  ઘણી બધી વસ્તુઓ હજુ સંશોધન માગતો વિષય બની રહ્યો છે. એક વાયરો પુરો થઈ ગયા છતાં એટલું તો જરૂર કહી શકાય કે કોરોનાને હજુ આપણે સંપૂર્ણપણે ઓળખી શક્યા નથી અને ઓળખવા માટે હજુ ઘણી લાંબી મજલ કાપવી પડે.

ભારતમાં દિવસે-દિવસે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 8 મહિનામાં સૌથી મોટો આંકડો એક જ દિવસમાં નોંધાઈ ચૂક્યો છે ત્યારે દેશમાં કોરોનાના કેસની રફતાર બેકાબુ બની હોય ત્યારે દવા, સારવાર અને ઈલાજની સાથે સાથે હવે એકમાત્ર સામૂહિક જનજાગૃતિ અને કોરોનાના ચેપને ફેલાવવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી અને તકેદારી રાખવાનો સમય પાકી ગયો છે. અગાઉની જેમ હવે સામાજીક, રાજકીય મેળાવડા કે ઉત્સવના નામે ભીડ સર્જીને કોરોના ફેલાવા માટેના અવસરો ઉભા કરવા પાલવે તેમ નથી. દરેકે સ્વયંભુ સાવચેતી અને તેના ઈલાજ માટે ગંભીર બનવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.