સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે ડિઝાસ્ટર કામગીરી સંદર્ભે અલગ-અલગ શાખાઓનાં અધિકારીઓ સાથે બેઠક બોલાવી: ૩૧મી બાદ ખોદાણની મંજુરી બંધ: ૧૫મી જુન સુધીમાં મેટલીંગ-મોરમ કરવા આદેશ
લોકસભાની ચુંટણીની આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ મહાપાલિકામાં કામગીરીનો ધમધમાટ શ‚ થઈ ગયો છે. ચોમાસાની સીઝનનાં આડે હવે એક માસથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે ડિઝાસ્ટર કામગીરી માટે અલગ-અલગ શાખાઓનાં અધિકારીઓ અને ખાસ સમિતિનાં ચેરમેનો સાથે એક બેઠક બોલાવી હતી જેમાં કડક ભાષામાં એવી તાકીદ કરવામાં આવી છે કે, પ્રિ-મોનસુનની કામગીરી દેખાડવા પુરતી માત્ર કાગળ પર નહીં પરંતુ પરિણામલક્ષી થવી જોઈએ. ૩૧મી મે બાદ કોઈને ખોદાણની મંજુરી આપવી નહીં અને ૧૫મી જુન સુધીમાં મેટલીંગ અને મોરમની કામગીરી પૂર્ણ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, બાંધકામ શાખાના અધિકારીઓને તા.૩૧/૦૫/૨૦૧૯ પછી ખોદાણ મંજૂરી બંધ કરાવવા તેમજ જ્યાં કામગીરી પૂર્ણ થયેલ છે ત્યાં મેટલીંગ-મોરમની કામગીરી તા.૧૫/૦૬/૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પરના ખાડા પુરવા અને ડામર પેચ વર્ક કરવા તેમજ ડામર કર્યાની સાથોસાથ ડ્રેનેજના ઢાકણા ઉંચા ઉપાડવા જાણ કરવામાં આવેલ છે. શહેરના જુના ગામતળમાં ભયગ્રસ્ત મકાનોનો સર્વે કરી જરૂરતે ઈમલો પાડવા જણાવવામાં આવેલ છે.
શહેરના ન્યુસન્સ પોઈન્ટ પર માણસો મુકવા તેમજ સદર-ગવલીવાડ વોંકળા, સદર તાલુકા શાળા, કેનાલ રોડ, પોપટપરા સહીતના તમામ વોકળાની ઘનિષ્ઠ સફાઈ કરાવવા અને સાંઢિયા પુલ પાસેના વોંકળામાં ડ્રેનેજનું પાણી વોકળામાં જાય છે જે યોગ્ય માર્ગે નિકાલ કરવા સુચના આપવામાં આવેલ છે. શહેરના ખુલ્લા પ્લોટોમાં ખુબ જ ગંદકી થતી હોય તેની સફાઈ તુરંત હાથ ધરવા અને વન ડે થ્રી વોર્ડ સફાઈ ઝુંબેશ શરુ કરવા જણાવવામાં આવેલ છે.
લોકોમાં મેલેરિયા અંગે જાગૃતિ લાવવા, દવાનો પુરતો જથ્થો, આશા વર્કરોને મેલેરીયાની કામગીરીની ટ્રેનીંગ આપવા, એન્ટી મેલેરિયા દવા, ફોગીંગ મશીન સ્ટેન્ડ ટુ રાખવા, શહેરમાં રહેણાક, કોમર્શિયલ વિગેરે વિસ્તારમાં સર્વે કારવાઈ પત્રિકા વિતરણ કરવા, પાણીના ટાંકામાં દવા છંટકાવ કરવા, ડોર ટુ ડોર ચેકિંગ કરવા આરોગ્ય શાખાના અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.
શહેરના હોર્ડિંગ બોર્ડ સર્વે કરવા, વાવાઝોડામાં તૂટી પડે તેવા બોર્ડ દુર કરવા, હોર્ડિંગ બોર્ડની સ્ટ્રક્ચર સ્ટેબીલીટી ચકાસવા, નિયમ વિરુદ્ધ બોર્ડ દુર કરવા એસ્ટેટ શાખાના અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવેલ છે. તેમજ શહેરના ડ્રેનેજ લાઈનના તમામ મેનહોલ સાફ કરવા, સફાઈ બાદ તુરંત ગાર્બેજ ઉપાડવા ડ્રેનેજ શાખાના અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે. તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાના અધિકારીઓને તમામ વાહનો, મશીનરી સ્ટેન્ડ ટુ રાખવા ડીવોટરીંગ પંપ તૈયાર રાખવા સુચના આપવામાં આવેલ છે.
આ મીટીંગમાં બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, અગ્નિશામક દલ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ તેમજ ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણી, સિટી એન્જીનીયર સીટી એન્જી ચિરાગ પંડ્યા, દોઢિયા તથા ગોહેલ, પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, નાયબ આરોગ્ય અધિકારી ડો. વિસાણી, ચુનારા, ચીફ ફાયર ઓફિસર ઠેબા, ટાઉન પ્લાનીંગ ઓફિસર સાગઠીયા, આસી. મેનેજર કાથરોટીયા વિગેરે ઉપસ્થિત રહેલ.