કોટડાસાંગાણી, રીબડા, શાપર, લોધિકા તેમજ રાજકોટ-ગોંડલ ધોરીમાર્ગ પર સમીસાંજે હળવો વરસાદ, જામનગરના કાલાવડમાં પણ વરસાદ વરસ્યો
પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ ગયો હોય તેમ રાજકોટ જિલ્લામાં ગઈકાલ સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. ત્યારે ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદ પહેલા પવનને કારણે ધૂળની ડમરી પણ ઉડી હતી. આજે પણ સાંજે લોકલ ફોરમેશનના કારણે ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજકોટ-ગોંડલ હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના રીબડા, પીપળિયા તેમજ આજુબાજુના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યાનું પણ જાણવા મળ્યું છે.
હાલ ખેડૂતોના ખેતરમાં તલી, બાજરી, મગનો પાક ઉભો છે. તલીમાં ડોડવા બંધાવાની તૈયારી છે તો બાજરીમાં ડુંડા પણ બેસી ગયા છે. ત્યારે કમોસમી વરસાદથી આ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ જિલ્લામાં તાપમાનનો પારો પણ ઉંચો રહેતા લોકો આકરી ગરમીથી અકળાયા છે. ત્યારે બપોર બાદ ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગોંડલ શહેરે અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન આગ ઝરતી ગરમી વરસ્યા બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણ પલટાયું હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાયા બાદ તાલુકાના રીબડા, કોલીથડ, પાટીયાળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.