રાજુલા-જાફરાબાદ પંથકમાં વૈશાખે અષાઢી માહોલ

રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે દોઢ ઈંચ વરસાદ: દેવપરામાં કાચા ૩૦ જેટલા મકાનો ધરાશાયી: ઉનાળુ પાકને ભારે નુકશાન: ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં કમોસમી વરસાદ: વીજળી પડતા એકનું મોત

રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનની અસર તમે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં ભરઉનાળે વૈશાખ માસમાં અષાઢી માહોલ સર્જાયો છે. રાજુલા, જાફરાબાદ અને અમરેલી પંથકમાં ગઈકાલે શુક્રવારે ભારે પવન અને ગાજવીજ સાથે કરા સાથે ધોધમાર દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજુલાના મોરંગમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આટકોટમાં ગઈકાલે વરસાદનું ઝાપટુ પડયું હતું તો જસદણમાં છાંટા પડયા હતા. ઉતર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ જોરદાર વરસાદ વરસ્યો હતો. ચાંગડા ગામે વીજળી પડવાના કારણે એક ખેડૂત અને બે ભેંસના મોત થયા હતા. આજે પણ ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે.

રાજુલા શહેર અને પંથકના ગામોમાં શુક્રવારે બપોરના ૩:૨૦ કલાકે ભારે પવન સાથે વરસાદ મોટા છાંટાથી શ‚ થયો હતો. રાજુલા શહેરના શહેરીજનો અને ગ્રામીણ પ્રજાએ વરસાદમાં ‘કરા’ પડયાના દ્રશ્યો નિહાળ્યા હતા. રાજુલા શહેરના મફતપરા વિસ્તારમાં ભારે પવન અને વરસાદથી કાચા મકાનોની દિવાલો પડી હતી. નળીયા ઉડયા હતા અને શહેર તથા તાલુકાના ગામોમાં વીજ થાંભલાઓ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.

રાજુલા તાલુકામાં ભારે પવન સાથે બરફના મોટા કરા સાથે વરસાદ પડયો હતો. તાલુકાના બર્બરાણા, વાવેરા, ગોંવિદડી, ખેરાળી, બાબરીયાધાર, ચારોડીયા ગામે થયો છે. મોટા આગરીયા ગામે શુક્રવારે બપોરે પવન સાથે થયેલા વરસાદમાં ‘કરા’ પણ પડયા હતા અને ધુડિયા આગરીયા, નાના આગરીયા અને મોટા આગરીયા ગામમાં વરસાદ થયો હતો. પરંતુ ખેત પાક સિવાઈ કોઈ નુકશાની નથી જયારે ધારેશ્ર્વર ગામ સહિત આજુબાજુના ગામોમાં પવન સાથે વરસાદ અને કરા પડયા છે. કાચા મકાનોના નળિયા ઉડી ગયા છે.

રાજુલા મહુવા રોડ ઉપર આવેલ ડુંગર રોડ ઉપર કુંભારીયા ગામ પાસે રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થતા રોડ ઉપરનો અર્ધો માર્ગ બંધ છે. જયારે રાજુલા શહેરમાં વરસાદ પછી સોસાયટી વિસ્તારથી લઈને શહેરી વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ડુલ થઈ રહ્યો છે. આ વરસાદથી ઉનાળુ પાક બાજરી, કેળ અને કેરીના પાકને તાલુકાભરમાં ભારે નુકશાની થઈ હતી.

રાજુલા તથા જાફરાબાદ પંથકના વીજપડી, ભમ્મર, મેરિયાણા, બાબરિયાધાર, ડુંગર, માંડરડી, ખાડાધાર, રાયડી, પાળ અને નેરકીમાં ભારે પવન ગાજવીજ અને કરા સાથે જોરદાર વરસાદ પડયો હતો તો તાલુકાના મોરંગમાં એક કલાકમાં એકાદ ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

રાજુલા તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. પંથકના દેવપરા ગામે ૩૦ જેટલા કાચા મકાનો ભારે પવનમાં ધરાશાયી થઈ ગયા હતા. જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી. અમરેલી જિલ્લાના અન્ય ગામોમાં પણ કાલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અમુક સ્થળોએ સામાન્ય છાંટાથી લઈ ઝાપટા પડયા હતા.

રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના આટકોટમાં ગઈકાલે સાંજે વરસાદનું એક ઝાપટુ વરસી ગયું હતું તો જસદણમાં છાંટા પડતા રાજમાર્ગો ભીના થઈ ગયા હતા. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ વરસ્યો હતો. ચાંગડામાં વીજળી પડવાના કારણે એક ખેડૂતનું મોત થયું હતું. જયારે બે ભેંસના મોત નિપજયા હતા.

રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનની અસરતળે આજે પણ સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં વરસાદી સંભાવના વ્યકત કરવામાં આવી છે. વરસાદના કારણે ઉનાળુ પાક, બાજરી, કેરી સહિતના પાકને નુકશાની થવા પામી છે. ખેડૂતોને નબળા વર્ષમાં પડયા પર પાટુ લાગ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.