- એનડીએનો વોટશેર વધી 48 ટકાએ પહોંચશે, વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aને 32 ટકા અને અન્યને 20 ટકા વોટ મળશે તેવા અનુમાન
- લોકસભાની 543 સીટોમાંથી એનડીએને 411 સીટો, વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aને 105 બેઠકો અને અન્યને 27 બેઠકો મળે તેવા સર્વેના પરિણામ
લોકસભાની ચૂંટણીએ આ વખતે ભારે સસ્પેન્સ જગાવ્યું છે. કારણકે વિપક્ષ આ વખતે પ્રથમ વખત મોટું ગઠબંધન રચી ભાજપને ટક્કર આપવાના પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં ચૂંટણી પહેલાના સર્વેમાં સામે આવ્યું છે કે ભાજપ સાથી પક્ષો સાથે સરળતાથી 400 બેઠકની વેંતરણી પાર કરી લેશે.
નેટવર્ક 18 દ્વારા લોકસભા ચૂંટણી પહેલા જનતાનો મૂડ જાણવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઓપિનિયન પોલ હાથ ધરાયો હતો. આ ઓપિનિયન પોલમાં 1 લાખ 18 હજારથી વધુ લોકોના મંતવ્યો સામેલ કરવામાં આવ્યા છે. 2024ને લઈને દેશનો મૂડ કેવો છે? આ અંગેના સૌથી મોટા ઓપિનિયન પોલનું પરિણામ આવી ગયું છે. ઓપિનિયન પોલ અનુસાર એનડીએને 543 સીટોમાંથી 411 સીટો મળી રહી છે. જ્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને 105 બેઠકો મળવાની આશા છે. અન્યને 27 બેઠકો મળી શકે છે. જો વોટ બેંકની વાત કરીએ તો એનડીએ ગઠબંધનને 48 ટકા વોટ મળવાની આશા છે. જ્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને 32 ટકા અને અન્યને 20 ટકા વોટ મળી શકે છે. તે સ્પષ્ટ છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન જોરદાર લીડ તરફ આગળ વધી રહ્યું છે.
ન્યૂઝ 18ના ઓપિનિયન પોલમાં ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને 350 સીટો મળી શકે છે. જ્યારે એનડીએ ગઠબંધનના અન્ય સહયોગીઓને 61 બેઠકો મળી શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 49 બેઠકો મળવાની ધારણા છે અને ભારતના અન્ય સાથી પક્ષોને 56 બેઠકો મળવાની ધારણા છે.