વિધાર્થીઓને સૌથી વધુ અઘરા લાગતા હોય તેવા  ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે

આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે  હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખી પહેલ કરી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિધાર્થીઓ માટે પહેલીવાર પ્રિ બોર્ડની પરીક્ષા યોજાશે. 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાશે. જેમાં ધોરણ 10માં જ અંદાજે 11 લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે.

ત્યારે પહેલી વાર પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓ બોર્ડની પરીક્ષાથી અજાણ હોય છે. પેપરસ્ટાઈલ કેવી હશે, પેપર કેવા હશે અને સૌથી મોટી ચિંતા પરીક્ષા માટે કઈ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં નંબર આવશે તે તમામ વિગતો ને લઈને વિધાર્થીઓ ચિંતામાં હોય છે. તેની સીધી અસર પરીક્ષાની તૈયારીઓ પર પડતી હોય છે. જેથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ વિશેષ આયોજન કર્યું છે.

તેમની આ પહેલ વિધાર્થીઓનો પરીક્ષાનો ડર દૂર કરવામાં મદદરૂપ થશે. રાજ્યમાં પહેલી વખત અમદાવાદમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પ્રિ બોર્ડ પરીક્ષા લેવાશે. જે રીતે બોર્ડની પરીક્ષા યોજાય છે તે પ્રકારે બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓને  હોલ ટિકિટ પણ આપવામાં આવશે. પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ભય દૂર કરવા ડીઈઓ રોહિત ચૌધરીએ આ પહેલ કરી છે. વિધાર્થીઓને સૌથી વધુ અઘરા લાગતા હોય તેવા  ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.