લોકડાઉનના સમયમાં સાંકેતિક સ્વરૂપે જનતાને સંદેશો આપવાનો પ્રયાસ
છેલ્લા કેટલાક સમયથી માનવજાત એક વિકટ સમસ્યાનો સામનો કરી રહેલ છે. સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાઇરસના સંક્રમણથી આતંકિત છે.
આ મહામારીને નિયંત્રિત કરવા સરકાર તમામ પ્રકારના પગલાઓ લઈ રહી છે. સતત કાર્યશીલ રહેતી આપણી ઉદ્યમનિષ્ઠ જનતા અત્યારે ઘરમાં રહીને શિસ્તબદ્ધતા જાળવી રહી છે. ભૂતકાળમાં ક્યારેય કોઈએ ન અનુભવેલો એવો આ સમય છે, ત્યારે આ લોકડાઉનના સમયમાં કંઇક વિશેષ પ્રવૃત્તિ દ્વારા અમુક પ્રોએક્ટિવ – સ્વયંપ્રેરિત નાગરિકો કંઈક અનોખું કરી રહ્યા છે. રાજ્યના સેવા નિવૃત અધિકારી પણ પ્રવીણ વ્યાસ દ્વારા પોતાની સુસુપ્ત કલાને જાગૃત કરી આ લોકડાઉનના સમયની પ્રવૃતિ દ્વારા એક વિશેષ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્રવીણ વ્યાસના ચિત્રમાં હાલના સમયના વિવિધ પાસાઓને સાંકેતિકરૂપે નિરૂપિત કરવામાં આવ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર તથા અન્ય વિભાગો કપરી કામગીરી કરી રહેલ છે. ખાસ કરીને સતત દોડધામ અને પ્રવૃત્તિઓથી ધમધમતા મહાનગરોમાં જનતાને ઘરમાં જ રાખવા અને બહાર નિયંત્રિત કરવામાં પોલીસતંત્ર ઘનિષ્ટ પ્રયાસો કરી રહેલ છે, અને કોરોના વાઇરસના સંક્રમણને નિવારવા આરોગ્ય વિભાગનું તંત્ર અહર્નિશ તમામ પ્રયાસો કરી રહેલ છે. જ્યારે ચોતરફ સન્નાટો છે ત્યારે સફાઈ કામદારો દ્વારા આગવી રીતે જનાંગણ જેવા નગરના જાહેર માર્ગો અને સ્થળોની નિયમિત સફાઈ થઈ રહી છે. દેશની જનતાને ઘરમાં રહેવા અને દીપપ્રાગટય દ્વારા સકારાત્મકતા ઉજાગર કરી ઉર્જાનો આવિર્ભાવ કર્યો તે પ્રતીકાત્મક સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે.