હિન્દુ દલિત ધર્મ પરિવર્તન કરી કિશ્ર્ચન બને તો એટ્રોસીટીના લાભ લઈ શકે નહીં
મુળ મહારાષ્ટ્રના અને હાલ જામનગર રહેતા ડેનીયલ આનંદરાઓ ગવઈ નામના ક્રિશ્ર્ચન દ્વારા જામનગર સીટી એ ડીવીમાં હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ અને કપાળે લાલ ચાંદલા કરેલા પાંચ ઈસમો વિરુઘ્ધ તા.૨૫ જુન ૨૦૧૮ના રોજ કોર્ટ કમ્પાઉન્ડમાં જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા એટ્રોસીટી એકટ કલમ ૩(૨)(૫એ) તથા આઈપીસીની જુદી જુદી કલમો અન્વયે ગુન્હો નોંધેલો હતો. જે ગુન્હા સંબંધે પ્રતિક ભટ્ટ દ્વારા જામનગરની સેશન્સ અને સ્પે.અદાલત સમક્ષ પોતાને આગોતરા જામીન મુકત કરવા એડવોકેટ હર્ષદ ભટ્ટ મારફત જામીન અરજી દાખલ કરેલી અને પ્રતિક ભટ્ટના વકિલશ્રી દ્વારા કરાયેલી લંબાણપૂર્વકની દલીલમાં રજુઆત કરેલી કે ફરિયાદી ડેનીયલ ગવઈ મહારાષ્ટ્રના દલિત છે અને તેમના દ્વારા હિન્દુ ધર્મ ત્યાગીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લેવામાં આવેલ છે અને ફરિયાદી કિશ્ર્ચન મીશનરી ચલાવે છે.
આ સંજોગોમાં ફરીયાદીએ પોતાનું હિન્દુ દલિતનું સ્ટેટસ જાતે જતુ કરેલ હોય આથી તેમને દલીત ગણી શકાય નહી અને સુપ્રીમ કોર્ટ તથા અન્ય અદાલતોના ચુકાદાઓ અનુસાર હિન્દુ દલિતમાંથી ખ્રિસ્તી બનનાર વ્યકિતને એટ્રોસીટી એકટ અન્વયેના કોઈ લાભ મળી શકે નહીં. ઉપરાંત ફરિયાદી મહારાષ્ટ્રના રહેવાસી છે. આથી બીજા રાજયમાં જન્મેલી વ્યકિતને ગુજરાતમાં અનુસુચીત જાતી, જનજાતી અન્વયેના કોઈપણ લાભ મળી શકે નહીં. આથી તેમના દ્વારા નોંધાવાયેલી ફરિયાદ એટ્રોસીટી એકટ અન્વયે નોંધી શકાય નહીં. ઉપરાંત ફરિયાદી ડેનીયલ ગવઈ જે મીશનરીની સ્કૂલ ચલાવે છે તેમાં અભ્યાસ કરતી સગીર બાળકી ઉપર તેમણે જાતીય છેડછાડ કર્યાની પોકસો કલમો સહિતનો કેસ તેમના વિરુઘ્ધ અદાલતમાં ચાલુ છે અને ફરિયાદી ડેનીયલ દ્વારા એસપીથી લઈને પોલીસ કોન્સ્ટેબલો, જીલ્લા સરકારી વકીલ અને મદદનીશ સરકારી વકીલો તથા જજ સાહેબો અને અસંખ્ય વકિલો ઉપર ખોટા આક્ષેપો કરીને વારંવાર પોલીસમાં તથા અદાલતમાં અસંખ્ય ફરિયાદો કરેલી છે જે તમામ ફરિયાદોની નકલો અદાલતમાં રજુ કરી ફરિયાદી વારંવાર ખોટા આક્ષેપો સાથે ફરિયાદ કરવાની ટેવ વાળો છે અને આથી જામનગરના વકીલો દ્વારા ફરિયાદી ડેનીયલને બ્લેક લીસ્ટમાં મુકવા ઉચ્ચસ્તરે રજુઆત કરવામાં આવેલી છે. જે તમામ આધારો સાથે ફરિયાદી દ્વારા તદન ખોટી ફરિયાદ કરેલી હોવાની રજુઆત કરવામાં આવેલ અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં આપેલ ચુકાદા મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદ ખોટી હોવાનું જણાય આવે તો એટ્રોસીટીના ગુનામાં પણ આરોપીને આગોતરા જામીન પર મુકત કરી શકાય છે તેવી દલીલ કરેલી હતી.
નામદાર અદાલત સમક્ષ ફરિયાદી ડેનીયલ જાતે હાજર રહી બંધારણ સંબંધેની જુદી જુદી રજુઆતો કરી પ્રતિક ભટ્ટ હિન્દુ સેના ગુજરાતનો પ્રમુખ હોવાથી અને ફરિયાદી કિશ્ર્ચન મીશનરી ચલાવતો હોય આથી તેના પર જીવલેણ હુમલો કરેલ હોય અને પોતે ભારતનો નાગરિક હોય આથી એટ્રોસીટી એકટ અન્વયેનો ગુનો બનવા પામે છે અને આ કાયદામાં આગોતરા જામીન આપવા સામે મનાઈ હોય જમીન અરજી રદ કરવા અદાલત સમક્ષ રજુઆત કરેલી. નામદાર અદાલતે પ્રતિક ભટ્ટના વકિલ દ્વારા કરાયેલી રજુઆતો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ ફરિયાદી ડેનીયલની રજુઆતો ગ્રાહ્ય રાખવા પાત્ર ન જણાતા હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટને ઉપરોકત એટ્રોસીટીના ગુનામાં આગોતરા જામીન પર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.