પ્રાંસલા શિબિરના ટેન્ટમાં ભિષણ આગ: ૩ કિશોરીઓના મોત

જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે, એસ.પી.અંતરીપ સુદ, ધારાસભ્ય લલિત વસોયા સહિતના ઘટના સ્થળે દોડી ગયા: રાષ્ટ્રકથા શિબિરની પૂર્ણાહુતીની જાહેરાત

  • ધર્મબંધુજી પર આફત તૂટી પડી

ધર્મબંધુજી દેશના યુવાનોમાં રાષ્ટ્ર ભાવના ઝળહળી ઉઠે તે માટે ઘણા વર્ષોથી રાષ્ટ્ર કથા શિબિરનું આયોજન કરે છે. ત્યારે આ વખતની શિબિરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા ધર્મબંધુજી ઉપર આફત તૂટી પડી છે.વર્ષોથી પોતાની જવાબદારીએ અનેક રાજયોમાંથી હજારો વિદ્યાર્થીઓ એકઠા કરે છે. આ વખતે પણ હજારો વિદ્યાર્થીઓની જવાબદારી તેમના પર હતી. તેઓ આર્થિક સંકળામણ પણ અનુભવી રહ્યાં હતા. જ્ઞાનના કુંભ સમી રાષ્ટ્ર કથા શિબિરમાં બનેલી ઘટનાના કારણે આગામી રાષ્ટ્ર કથા શિબિરના આયોજન ઉપર પ્રશ્ર્નાર્થ લાગી ગયા છે.

ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામે ઘણા વર્ષોથી સ્વામી ધર્મબંધુજી દ્વારા રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૨૦મી રાષ્ટ્રકથા શિબિરનું દર વર્ષની જેમ હેમખેમ સમાપન થવા જઈ રહ્યું હતું પરંતુ કુદરતને તે મંજુર ન હોય તેમ દુ:ખદ બનાવ બની ગયો છે. વર્ષોથી દેશના યુવાનો માટે જ્ઞાનનો કુંભ કહી શકાય તેવી રાષ્ટ્ર કથા શિબિરમાં સમાપનની આગલી રાત્રે શોર્ટ સર્કીટના કારણે ભીષણ આગ ભભુકી ઉઠતા અફડા તફડી મચી ગઈ છે. આગમાં ત્રણ કિશોરીઓ ગંભીર રીતે દાઝી જતા મોતને ભેટી છે જયારે ૨૦ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ધર્મબંધુજી ઘણા સમયથી આર્થિક સંકળામણ અનુભવતા હતા ત્યારે ગઈકાલનો ગમખ્વાર અકસ્માત પડયા પર પાટુ સમાન છે. ૨૬ રાજયોમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા કરી તેમને સાચવવાની મસમોટી જવાબદારી ધર્મબંધુજી દર વર્ષે સફળતાપૂર્વક ઉપાડતા હતા. ગઈકાલે બનેલી ઘટનાના કારણે જ્ઞાનના કુંભ સમીટ રાષ્ટ્ર કથા શિબિર હવે આયોજીત નહીં થાય તેવી દહેશત છે. કહેવાય છે કે ધર્મબંધુજી ચારે બાજુથી સંકળામણમાં ઘેરાયા હતા. તેમને રેશનીંગનું બીલ ભરવા ઈનોવા કાર પણ વેંચી નાખી હતી. તેમને સંકળામણથી થાકી ગયા હોવાની કબુલાત પણ આપી હતી.

તાજેતરમાં આ શિબિરમાં ભાગ લેવા દેશભરમાંથી યુવા-યુવતીઓ રાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર રહી ૧૦ દિવસ સુધી આ શિબિરમાં વિવિધ ક્ષેત્રના અધિકારીઓ દ્વારા શિબિરાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૬ થી શ‚ થયેલ રાષ્ટ્રકથા શિબિરના સમાપનના અંતિમ ચરણોમાં ગઈકાલે રાત્રે એકાએક મહિલા વિભાગના ટેન્ટમાં આગ લાગતા ૩ યુવતીના મોત થયા હતા.

જયારે ૨૦ જેટલા ઈજાગ્રસ્તોને ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૯ યુવતી અને એક યુવક સહિત ૨૦ વ્યકિતઓ ભયમુકત હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક ત્રણેય કિશોરીઓ ઓળખ થઈ ગઈ છે. જેમાં એક આંબરડી, એક ધમરાશળા અને એક મોરબીની હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાંસલા મુકામે છેલ્લા આઠ દિવસથી ચાલતી રાષ્ટ્રકથા શિબિરમાં ગઈકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ગત રાત્રે ૧૦ વાગે શિબિરાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ કરી પોત પોતાના ટેન્ટમાં જતા રહેલ હતા. રાત્રીના ૧૦:૩૦ થી ૧૦:૪૫ વચ્ચેના સમયમાં કથા શિબિરના ગ્રાઉન્ડમાં યુવતીઓ માટે ૧૦ થી વધુ ટેન્ટો બનાવવામાં આવેલા છે.

તેમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભુકી ઉઠતા મહિલાઓના ટેન્ટની સામેના ભાગે આવેલા એનડીઆરએફના બટાલીયન ભાઈઓ દોડી આવી ઘટના સ્થળે રહેલ ફાયર ફાઈટરની મદદથી આગ ઓલવવાનો પ્રયત્ન કરેલ પણ આગની ભયાનકતા એટલી વિકરાળ સ્વ‚પ ધારણ કરી લેતા ટેન્ટમાં રહેલ યુવતીમાં પણ ભારે નાસભાગ મચી ગઈ હતી. ભીષણ આગમાં જસદણ તાલુકાના આંબરડી ગામની રહેવાસી અને ધો.૯માં અભ્યાસ કરતી કિંજલબેન અરજણભાઈ શિયાળ (ઉ.વ.૧૪), સાયલા તાલુકાના ધમરાશળા ગામની અને ધો.૧૧માં અભ્યાસમાં કરતી જમોડ વનિતાબેન સવજીભાઈ (ઉ.વ.૧૬) તથા મોરબીની સમજુબા વિદ્યાલયમાં ધો.૯માં અભ્યાસ કરતી કૃપાલીબેન અશોકભાઈ દવે (ઉ.વ.૧૪) નામની ત્રણ કિશોરીઓના મોત નિપજયા હતા.

જયારે ૨૦ જેટલી યુવતીઓને હાથ-પગ, મોઢે આગની વરાળ લાગતા ઈજા થતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ઉપલેટાના સિવિલ હોસ્પિટલે લઈ આવતા ફરજ પરના ડો.મેહુલ કણસાગરા, ડો.પટેલ તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધી હતી.

રાષ્ટ્રીયકથા શિબિરમાં લાગેલી આગમાં ઈજાગ્રસ્તોને ઉપલેટા સિવિલ હોસ્પિટલે લઈ આવતા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના તમામ તાલુકા અને કાલાવડ, જામજોધપુર, જુનાગઢ, માણાવદર, કુતિયાણા સહિત ૨૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સના કાફલા સાથે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ભંડેરી, હેલથ ઓફિસર, જાવીયા, એપીડીએલ ઓફિસર રાઠોડ સહિતની ટીમ ઉપલેટા દોડી આવી હતી. આગમાં ઈજા પામેલાઓ તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ અધિક્ષક ડો.મેહુલ કણસાગરા, ડો.એન.જે.પટેલ સહિત વધારાનો નર્સીંગ સ્ટાફને બોલાવી ઈજાગ્રસ્તોને ઓક્સિજનના બાટલા આપી આખી રાત ખડેપગે રહી સારવાર આપેલ હતી.

પાનેલી પીએચસીના ડો.લલિત વાઢેર અને તેની ટીમ સાથે પ્રાસંલા ઘટના સ્થળે દોડી ગયા હતા. શિબિરમાં ઈજા પામેલા ઈજાગ્રસ્તો ઉપલેટા સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા જ ઉપલેટાના પી.આઈ એમ.વી.ઝાલા, ડી.સ્ટાફના રમેશભાઈ બોદર, કૌશિકભાઈ જોષી, સંજયભાઈ બાયલ, દિનેશભાઈ આહિર હોસ્પિટલે રહી ઈજાગ્રસ્તોને મદદમાં જોડાઈ ગયા હતા. આ બનાવને પગલે જીલ્લાના ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, રાજકોટ સહિત આઠ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા.

  • પાંચ વિઘામાં બનાવેલા ટેન્ટ માત્ર ત્રણ મિનિટમાં ખાક..

શિબિરમાં યુવા-યુવતીઓ સાથે ભાગ લેવા આવેલા શિક્ષકે જણાવેલ કે અંદાજે પાંચ વિઘામાં બનાવેલ ટેન્ટ સામે અમારો ભાઈઓનો ઉતારો હતો. એમાં આગને જોઈ ત્યાં પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં ભૂરિયા પવનને કારણે આગે વિકરાળ સ્વ‚પ ધારણ કરી લેતા ત્રણ મિનિટમાં તમામ ટેન્ટ તેમજ ટેન્ટમાં પડેલી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

  • એનડીઆરએફની બટાલીયન ટીમે લાજ રાખી…

રાષ્ટ્રીય કથામાં મહિલા વિભાગના ટેન્ટમાં રાત્રે લાગેલી આગમાં જો કુદરતી આપતી વખતે જેમનો બચાવ કાર્યમાં ઉપયોગ થાય છે તે એનડીઆરએફની બટાલીયન ટીમ ઘટના સ્થળથી ૧૦૦ મીટર દુર હોવાથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ વિકરાળ આગને કાબુમાં લઈ વધુ જાનહાની થતા અટકાવેલ હતી. જાણકારોના મતે જો એનડીઆરએફની ટીમ ના હોત તો આજે કથા સ્થળે જુદા જ દ્રશ્ય હોત.

  • હતભાગી કિશોરીઓની નામાવલી

(૧) કિંજલબેન અરજણભાઇ શીયાળ (ઉ.વ.૧૪) અભ્યાસ ધો.૯ રહે. આંબરડી, તા. જસદણ

(ર) જમોડ વનીતાબેન સવસીભાઇ (ઉ.વ.૧૬) અભ્યાસ ધો.૧૧ રહે. ધમરાસળા, તા. સાયલા

(૩) હદે કૃપાલીબેન અશોકભાઇ સમજુબા વિઘાલય મોરબી (ઉ.વ.૧૪) અભ્યાસ ધો.૯ રહે. મોરબી

  • ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

પ્રાંસલા મુકામે ચાલતી રાષ્ટ્રીય કથા શિબિરમાં આગ લાગી હોવાની જાણ થતા જ ઘટના સ્થળે જીલ્લા કલેકટર વિક્રાંત પાંડે, જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદ, નાયબ કલેકટર જોષી, ડીવાયએસપી ઉપલેટાના મામલતદાર એ.એમ.ભડાણીયા સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી જઈ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રવાના કરેલ હતા.

  • મહિલા વિભાગના તમામ ટેન્ટો બળીને ખાક

ગઈકાલે લાગેલી આગમાં ૧૦૦ કરતા વધુ મહિલાઓ માટે બનાવેલા ટેન્ટોમાં અચાનક આગ ભભુકી ઉઠતા તમામ ટેન્ટો તેમજ ટેન્ટની અંદર રહેલ શિબિરાર્થીઓનો માલ-સમાન આગમાં સંપૂર્ણ બળી જવા પામેલ હતો.

  • ઘવાયેલાની નામાવલી

૧. ગોંડલીયા મહેક વિપુલભાઈ

૨. શેખાવત નિશા લક્ષ્મણભાઈ

૩. મકવાણા નયના કરશનભાઈ

૪. મકવાણા નિલમ બુધાભાઈ

૫. માણેક ધ્રુવિશા દિલીપભાઈ

૬. હબીબા સુલતાના

૭. દેલવાડિયા પ્રિયા અરવિંદભાઈ

૮. વાઘેલા ભાવના પ્રફુલભાઈ

૯. વાછાણી જીનલ દિનેશભાઈ

૧૦. સાબરીયા નંદા ભુપેન્દ્રભાઈ

૧૧. બાલાપરા આરજુ કિશોરભાઈ

૧૨. આરદેશણા બંસી ભનુભાઈ

૧૩. વાંસજાળીયા ઉવર્શી પ્રકાશભાઈ

૧૪. ગોધિયા ખુશી મુકેશભાઈ

૧૫. ઓસાદેલ મમતા સીલદાસ

૧૬. વિરકિયા દિક્ષીતા સંજયભાઈ

૧૭. ચાવડા અનિશા હરદાસ

૧૮. શેખાવત નિશા લક્ષ્મણભાઈ

૧૯. લીલીયા ખાતુર ઉસ્માનઅલી

૨૦. પ્રતિક નાયક પુરીનાયક

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.