૧૯૭૧ની જનસંખ્યાના આધાર પર હજુપણ લોકસભામાં સાંસદોની સંખ્યા ૫૪૩ હોય અને હાલમાં ૧૬ થી ૧૮ લાખ નાગરિકો વચ્ચે એક સાંસદ હોય લોક સમસ્યાને યોગ્ય રીતે વાચા આપી શકાતી ન હોવાનો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો દાવો

હાલમાં લોકસભામાં ૧૯૭૧ની જન સંખ્યાના આધારે ૫૪૩ સાંસદોનું સંખ્યાબળ છે. છેલ્લા ચાર દાયકામાં દેશની વસ્તી બમણી થઈ જવા પામી છે. હાલમાં ૧૬ થી ૧૮ લાખ નાગરિકો વચ્ચે એક સાંસદ હોય તમામ લોક પ્રશ્ર્નોને યોગ્ય રીતે વાચા આપી શકાતી નથી તેમ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મેમોરિયલ પ્રવચનમાં પ્રણવદાએ એવું સુચન કર્યું હતું કે, ચાર દાયકામાં બમણી થયેલી વસ્તીને ધ્યાનમાં રાખીને લોકસભામાં સાંસદોની સંખ્યા બમણી કરીને ૧૦૦૦ કરવામાં આવે. લોકસભાની સાથે રાજ્યસભામાં પણ સાંસદોની સંખ્યા વધારવા પર મુખર્જીએ ભાર મુક્યો હતો.

દિલ્હીમાં યોજાયેલા બીજા અટલ બિહારી વાજપેયી મેમોરિયલ પ્રવચનમાં સંબોધતા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં બહુમતિની સ્થિર સરકારની રચના થાય છે. સંપૂર્ણ બહુમતિ ન મળવાથી સ્થિર સરકારની રચના થઈ શકતી નથી. આપણી સંસદીય લોકશાહી અને તેના આત્માનો સંદેશ સ્થિર સરકાર છે પરંતુ આ સંદેશને રાજકીય નેતાઓ ક્યારેય સમજી શક્યા નથી. તેથી જ તેઓને સંસદમાં સંપૂર્ણ બહુમતિ મળે તો કંઈપણ કરવા લાગે છે પરંતુ લોકશાહીના હિતમાં આવું ન થવું જોઈએ. રાજકીય પાર્ટીઓ માને છે કે નાગરિકોએ તેમને બહુમતિ માટે સંખ્યાબળ આપ્યું છે પરંતુ દેશમાં વસતા કુલ નાગરિકોમાંથી બહુમતિ નાગરિકો ક્યારેય એક પાર્ટીને ટેકો આપતા નથી. ૧૯૫૨માં યોજાયેલી પહેલી સંસદીય ચૂંટણીથી આજ દીન સુધીમાં દેશમાં અનેક પાર્ટીઓને બહુમતિ મળે છે પરંતુ કોઈપણ પક્ષે ૫૦ ટકા વધારે મતો મેળવ્યા નથી.

હાલમાં લોકસભામાં સાંસદોનું સંખ્યાબળ ૫૪૩ છે જે ૧૯૭૧ની જનગણના પર આધારિત છે અને છેલ્લે લોકસભામાં સાંસદોનું સંખ્યાબળ ૧૯૭૭માં વધારવામાં આવ્યું હતું. તેમ જણાવીને પ્રણવદાએ ઉમેર્યું હતું કે તે સમયે દેશની વસ્તી ૫૫ કરોડની હતી. જ્યારે આજે ચાર દાયકા બાદ દેશની વસ્તી બમણી એટલે કે ૧૧૦ કરોડની આસપાસ પહોંચી જવા પામી છે. ત્યારે સાંસદો માટે તેમનો લોકસભા મતક્ષેત્ર વિશાળ બની જવા પામ્યો છે. એક સાંસદના ભાગે ૧૬ થી ૧૮ લાખ મતદારો આવે છે જેથી તમામ મતદારોની લોક સમસ્યાને ઉકેલી શકવામાં સાંસદો નિષ્ફળ રહે છે. જેથી, લોકસભામાં સાંસદોનું સંખ્યાબળ વધારીને ૧૦૦૦ કરવાની જરૂરિયાત છે.

7537d2f3 13

તે જ પ્રમાણે રાજ્યસભામાં પણ સાંસદોની સંખ્યાબળ વધારવા પર મુખર્જીએ ભાર મુક્યો હતો. તેમને ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, બ્રિટન આપણા એક રાજ્ય જેવો દેશ હોવા છતાં ત્યાંની પાર્લામેન્ટમાં ૬૫૦ સાંસદો છે. કેનેડાની પાર્લામેન્ટમાં ૪૪૩ અને અમેરિકાની કોંગ્રેસમાં ૫૩૫ સાંસદો છે. તો આપણે આપણા સાંસદોની સંખ્યા વધારવાની તાતી જરૂરિયાત છે.

હાલમાં સાંસદોની વર્તમાન સંખ્યાબળ વધાર્યા વગર સંસદનું નવું બિલ્ડીંગ બનાવવાની પ્રક્રિયા અતર્કસંગત ગણાવીને મુખર્જીએ જણાવ્યું હતું કે, સંસદનું નવું બિલ્ડીંગ બનાવાના પહેલા સાંસદોની સંખ્યા વધારવાની જરૂરિયાત છે. સંસદમાં મહિલા પ્રતિનિધિઓની ઓછી સંખ્યા પર પણ પ્રણવદાએ ચિંતા વ્યકત કરી હતી. સંસદમાં સમયાંતરે થતાં ગેરવર્તન અંગે ચિંતા વ્યકત કરીને મુખર્જીએ આવા સાંસદોને શિસ્ત સમિતિ દ્વારા સજા કરવી જોઈએ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભારતના મહાન પુત્ર ગણાવ્યા હતા. વાજપેયીને ભારે લોકસર્મન પ્રાપ્ત હતું અને તેઓ એક એવા નેતા હતા કે જેઓ બધા પક્ષોના નેતાઓને સાથે રાખીને કામગીરી બજાવતા હતા.

લગભગ એક કલાક સુધીના પ્રવચનમાં પ્રણવદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દેશ, એક ચૂંટણીના ફોર્મ્યુલા સામે અસંમતિ દર્શાવી હતી. તેમને જણાવ્યું હતું કે, મોદી સરકાર સંસદમાં બહુમતિથી બંધારણમાં સુધારો લાવીને આ પ્રકારનો કાયદો લાવી શકે છે. પરંતુ ભવિષ્યમાં લોક પ્રતિનિધિઓ તેઓ વિરોધ કરી શકે છે. જેથી આ વ્યવસ પર ભવિષ્યમાં પ્રર્શ્ર્ના ઉભા થઈ શકે છે તેમ પ્રણવદાએ અંતમાં ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.