અન્નપૂર્ણાધામમાં ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવા છાત્રાલય, ભોજનાલય અને તાલીમ કેન્દ્રનું ખાતમુહૂર્ત: અન્નપૂર્ણા મંદિરનાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વસ્ત્રાલમાં જાહેરસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ગાંધીનગર નજીક આવેલા અડાલજમાં વિશ્વનાં પ્રથમ પંચતત્વ મંદિરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાથે અન્નપૂર્ણાધામમાં ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવા છાત્રાલય, ભોજનાલય અને તાલીમ કેન્દ્રનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. અન્નપૂર્ણા મંદિરનાં આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ વસ્ત્રતાલમાં જાહેર સભા પણ સંબોધી હતી.
અડાલજ ખાતે લેઉઆ પાટીદારોના તિર્થધામ અન્નપૂર્ણા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર વિશ્ર્વનું પ્રથમ પંચતત્વ મંદિર છે જેની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધી કરવામાં આવી હતી. અન્નપૂર્ણા મંદિર ઉપરાંત રૂ.૪૫ થી ૫૦ કરોડનાં પ્રોજેકટ હેઠળ ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવા છાત્રાલય, ભોજનાલય, પુસ્તકાલય, સ્પર્ધાત્મક પરીક્ષાનાં તાલીમ કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયપાલ ઓ.પી.કોહલી, મધ્યપ્રદેશનાં રાજયપાલ આનંદીબેન પટેલ, મનસુખભાઈ માંડવીયા, ખોડલધામનાં નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અન્નપૂર્ણા મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે મંદિર અને શિક્ષણ ભવનનાં મુખ્ય દાતાઓ કરશનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, હરેશભાઈ વસાણી, ભોજનાલયનાં દાતા શેખરભાઈ પટેલ, પુસ્તકાલયનાં સુજલભાઈ પટેલ, કોન્ફરન્સ હોલનાં દાતા વ‚ણ નરહરી અમીન વ્યાવસાયીક તાલીમ કેન્દ્રનાં દાતા સુધીરભાઈ મહેતા, નાગજીભાઈ શિંગાળા સહિતનાનું સન્માન કરવામાં આવશે.
અન્નપૂર્ણા મંદિરની ખાસિયતો જોઈએ તો આ મંદિર વિશ્ર્વનું પ્રથમ પંચતત્વનું મંદિર છે. જેમાં દાનપેટી રાખવામાં આવી નથી. આ સાથે ભાવિકો અહીં શ્રીફળ પણ વધેરી શકશે નહીં. અહીં વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, પુસ્તકાલય, તાલિમ કેન્દ્રો તેમજ ભોજનાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજે ભવ્ય શોભાયાત્રા પણ નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ સાથે મુખ્ય કાર્યક્રમમાં ૨૭ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અન્નપૂર્ણા મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાલ ખાતે પહોંચ્યા જયાં તેઓએ જાહેરસભા સંબોધી હતી. આ તકે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી.